ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં ઘટાડાને પગલે ભારતમાં વિમાનના ઇંધણના ભાવમાં 2.2 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવ કિલોલીટર દીઠ રૂ.3,084.94 ઘટીને રૂ. 138,147.93 થયા છે, એમ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રાઇસ નોટિફિકેશનમાં જણાવાયું છે.

જેટ ફ્યુઅલના ભાવમાં ચાલુ વર્ષે આ માત્ર બીજો ઘટાડો છે. ભાવ ગયા મહિને કિલોલીટર દીઠ રૂ. 141,232.87ના ટોચને સ્તરે પહોંચ્યા હતા. આમ એક લીટર જેટ ફ્યુઅલનો ભાવ રૂ.141.24 હતો. ક્રૂડ ઓઇલના બેન્ચમાર્ક ભાવને આધારે દર મહિને પહેલી અને 16મીએ એટીએફના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. પહેલી જુલાઈએ ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો. આ પહેલા ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટો 16 ટકાનો વધારો ઝીંકાયો હતો.

વિશ્વના અગ્રણી અર્થતંત્રોમાં મંદીની આશંકાએ ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં ઘટાડો થયો છે. ક્રૂડના ભાવ યુક્રેન યુદ્ધ પહેલા હતા તે સ્તરે આવી ગયા છે.16 જુલાઈએ એટીએફના ભાવમાં કિલોલીટર દીઠ રૂ.19,757.13નો મોટો વધારો થયો હતો. આ પછી પહેલી જૂને તેમાં 1.3 ટકા ઘટાડો થયો હતો. પહેલી જૂનને બાદ કરવામાં આવે તો 2022માં મોટાભાગના કિસ્સામાં જેટ ફ્યુઅલના ભાવમાં વધારાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે.

ચાલુ વર્ષના પ્રારંભથી એટીએફના ભાવમાં કુલ 11 વખત વધારો થયો છે. તેનાથી ભાવ છ મહિનામાં લગભગ બમણા થયા છે. શનિવારના કાપ પહેલા એટીએફના ભાવમાં પહેલી જાન્યુઆરીથી 91 ટકાનો જંગી વધારો થયો હતો.