પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં જૂન 2021થી અત્યાર સુધીમાં એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના ભાવમાં 120 ટકા કરતા વધુ વધારો થયો છે. તેનાથી વિમાન મુસાફરી વધુ મોંઘી બનવાની શક્યતા છે. હાલમાં દેશમાં ATFના ભાવ ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા છે. એરલાઈન ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો માને છે કે એટીએફના ભાવવધારા પછી હવાઈભાડામાં ઓછામાં ઓછા 10થી 15 ટકાનો વધારો થશે.

દિલ્હીમાં હવે ATFનો ભાવ 1000 લિટર દીઠ 1.41 લાખ રૂપિયા છે જ્યારે કોલકાતામાં 1.46 લાખ રૂપિયા અને મુંબઈમાં 1.40 લાખ રૂપિયા છે. ચેન્નાઈમાં 1000 લિટર એટીએફનો ભાવ રૂ. 1.46 લાખ રૂપિયા છે. સ્પાઈસ જેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહે જણાવ્યું કે એટીએફના ભાવમાં તીવ્ર વધારા અને રૂપિયાના મૂલ્યમાં જોરદાર ઘટાડા પછી ડોમેસ્ટિક એરલાઈન્સ પાસે એરફેરમાં તાત્કાલિક વધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.જો 10થી 15 ટકા સુધીનો વધારો કરવામાં નહીં આવે તો એરલાઈન્સ માટે કામગીરી ચલાવવી મુશ્કેલ બની જશે.

2022માં એરફેરમાં તીવ્ર વધારો થયો છે. મે મહિનામાં કેટલાક ફેવરિટ રૂટ પર એરફેરમાં 10થી 75 ટકા સુધી વધારો થયો છે. છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં એરલાઈન્સે ભારે ખોટનો સામનો કરવો પડ્યો છે. ભારતમાં એરલાઈન્સ ચલાવવામાં 30થી 40 ટકા જેટલો ખર્ચ એટીએફ પાછળ થાય છે.