Australia ratifies Free Trade Agreement with India, Britain
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બેનિસ ફાઇલ ફોટો(ANI ફોટો/PIB)

ઓસ્ટ્રેલિયાની સંસદે મંગળવારે ભારત અને બ્રિટન સાથે દ્વિપક્ષીય મુક્ત વેપાર સમજૂતીઓને બહાલી આપી છે. હવે બ્રિટન અને ભારતની સંસદ આ સમજૂતી અંગેના બિલને મંજૂરી આપે તે પછી તે અમલી બનશે. બ્રિટન સાથેના મુક્ત વેપાર કરારથી બ્રિટનમાં ઓસ્ટ્રેલિયાની 99 ટકા ચીજવસ્તુઓ ડ્યૂટી ફ્રી બનશે. ભારત સાથેની સમજૂતીથી ઓસ્ટ્રેલિયાની 90 ટકા ચીજો પરનો નિકાસ ટેક્સ દૂર થશે.

આ સમજૂતી ઓસ્ટ્રેલિયા અને બ્રિટન બંને માટે મહત્ત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયા હાલમાં ચીનના બજારમાં નિકાસમાં મુશ્કેલી અનુભવી રહ્યું છે અને ભારત સાથેની સમજૂતીથી તેને વિશ્વના એક વિશાળ બજારમાં સરળતાથી પ્રવેશ મળશે. બીજી તરફ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળ્યા પછી બ્રિટન માટે પણ નવા દ્વિપક્ષીય વેપાર કરારની તાતી જરૂરિયાત હતી.

ઓસ્ટ્રેલિયાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં સોમવારે આ અંગેનું બિલ સરળતાથી પસાર થયું હતું. મંગળવારે સેનેટે તેને મંજૂરી આપતા હવે તે કાયદો બન્યું છે.

મુક્ત વેપાર સમજૂતી અમલમાં આવે તે પહેલા સંબંધિત બ્રિટિશ અને ભારતીય સંસદો દ્વારા તેને બહાલી આપવામાં આવે તે જરૂર છે. હજુ ભારત કે બ્રિટનની સંસદે તેને મંજૂરી આપી નથી.

વેપાર પ્રધાન ડોન ફેરેલે જણાવ્યું હતું કે સમજૂતીની ગુણવત્તા મારફત ભારતે દ્વિપક્ષીય આર્થિક ભાગીદારી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભારત સાથે ગાઢ આર્થિક સંબંધો સરકારની વેપાર વૈવિધ્યકરણ વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

ફેરેલે જણાવ્યું હતું કે કે બ્રિટિન સાથેની સમજૂતી “અમારી આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે નિર્ણાયક છે.”
ઓસ્ટ્રેલિયા-બ્રિટન ડીલ હેઠળ ઘેટાંનું માંસ, બીફ, ડેરી, ખાંડ અને વાઇન સહિત 99%થી વધુ ઓસ્ટ્રેલિયન માલની નિકાસ ડ્યુટી ફ્રી બનશે. બીજી તરફ ભારત સાથેની સમજૂતી મુજબ માંસ, ઊન, કપાસ, સીફૂડ, બદામ અને એવોકાડોસ સહિત ભારતમાં નિકાસ કરવામાં આવતી 90% ઓસ્ટ્રેલિયન ચીજો પરનો ટેક્સ પણ દૂર કરવામાં આવશે.
વડાપ્રધાન એન્થોની આલ્બેનીસે ગયા અઠવાડિયે ઈન્ડોનેશિયામાં જી-20 સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે ડીલ અંગે ચર્ચાવિચારણા કરી હતી.

આલ્બેનીઝે કહ્યું હતું કે એપ્રિલમાં જે ડીલ પર હસ્તાક્ષર થયા હતા, તેને આગળ ધપાવવા તેઓ માર્ચમાં ભારતની મુલાકાત લેશે.બ્રિટિશ ડીલ પર ડિસેમ્બરમાં તત્કાલીન વડા પ્રધાન બોરિસ જોન્સનના વહીવટીતંત્રે હસ્તાક્ષર કર્યા હતા. જોકે જોન્સનના અનુગામીઓ બ્રિટન વધુ લાભ મળ્યો ન હોવાનું કહીને જોન્સનના અનુગામીઓએ તેની ટીકા કરી હતી. હવે ભારત અને બ્રિટનની સંસદ આ અંગેના બિલને મંજૂરી આપે તે પછી 30 દિવસમાં મુક્ત વેપાર સમજૂતીનો અમલ થશે.

LEAVE A REPLY

twenty + 16 =