ફાઇલ ફોટો: ફોટો: (Photo: Chris J Ratcliffe/Getty Images)

એક નવા સર્વેમાં જાણવા મળ્યું છે કે NHSના માનસિક આરોગ્ય ટ્રસ્ટમાં દર ત્રણમાંથી એક એટલે કે 32.7 ટકા બ્લેક, એશિયન અથવા લઘુમતી વંશીય (BAME) કામદારે રેસીસ્ટ દુર્વ્યવહારનો અનુભવ કર્યો છે. જ્યારે સમગ્ર NHSના કર્મચારીઓને પૂછીએ તો દર ચારમાંથી એક કરતા વધારે એટલે કે 28.9 ટકા

BAME કામદારો રેસીસ્ટ દુર્વ્યવહારનો સામનો કરે છે.

રોયલ કોલેજ ઓફ સાઇકિયાટ્રિસ્ટના વિશ્લેષણ મુજબ, લઘુમતી સ્ટાફને દર્દીઓ, સંબંધીઓ અથવા લોકો દ્વારા સતામણી, બુલીઇંગ અથવા હુમલાનો અનુભવ થાય છે. એનએચએસ મેન્ટલ હેલ્થ ટ્રસ્ટમાં 19.6 ટકા BAME લોકો સ્ટાફના અન્ય સહકર્મીઓ દ્વારા થતી સતામણી, બુલીઇંગ અથવા રેસીસ્ટ દુર્વ્યવહારનો અનુભવ કરે છે. ચોંકાવનારી હકિકત એ છે કે દર આઠમાંથી એક કરતાં વધુ BAME કર્મચારીઓ તો તેમના પોતાના મેનેજરો દ્વારા કરાતા દુર્વ્યવહારનો ભોગ બને છે. એક વખત તો BAME  કર્મચારી પર ગરમ ચા ફેંકવામાં આવી હતી અને એક મનોચિકિત્સકને છરીથી મારવાની ધમકી આપવામાં આવી હતી.

સર્વેના પગલે, રોયલ કોલેજ ઓફ સાઇકિયાટ્રિસ્ટ્સે બુલીઇંગ અને સતામણી અંગેના ડેટાને રેકોર્ડ કરવા અને સમજવા માટે NHS ટ્રસ્ટમાં વધુ સારી પ્રક્રિયાઓ ગોઠવવાની વિનંતી કરી છે. રોયલ કોલેજ ઓફ સાઇકિયાટ્રિસ્ટ્સના પ્રમુખ ડૉ. એડ્રિયન જેમ્સે અખબારને જણાવ્યું હતું કે આ તારણો ખૂબ જ ચિંતાજનક છે.

કોલેજમાં રેસ ઇક્વાલિટીના પ્રેસિડેન્શિયલ લીડ ડો. લેડ સ્મિથે ધ ગાર્ડિયનને કહ્યું હતું કે “કેટલાક એમ્પ્લોયરોના શ્રેષ્ઠ પ્રયાસો હોવા છતાં સર્વેક્ષણોના પુરાવા સાબિત કરે છે કે વંશીય લઘુમતી સ્ટાફ જાતિવાદ અને ભેદભાવનો ભોગ બની રહ્યો છે. જો કે વર્ષોથી થોડો ફેરફાર થયો છે. હેલ્થકેર ક્ષેત્રના નેતાઓએ રેસીઝમ અને કામના સ્થળે થતા ભેદભાવનો સામનો કરવાનું શરૂ કરવું જોઈએ.”

લિંકન સ્થિત મેડિકલ ડિરેક્ટર ડૉ. અનંત દવેએ કહ્યું હતું કે ‘’દર્દીઓ અને તેમના પરિવારોએ ઘણી વખત એ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે હું ડૉક્ટર છું અથવા મારી ત્વચાના રંગને કારણે તેમના એસેસમેન્ટનું હું નેતૃત્વ કરૂ છું તે માની શકતા નહતા. તેમણે મને જોઇને વાસ્તવિક ડોક્ટરને બોલાવવા કહ્યું હતું. એક વખત મને છરીથી ધમકી આપવામાં આવી હતી. જેથી મને તબીબી પ્રોફેશનલ અને થોડી થેરાપીની  જરૂર પડી હતી.’’

સર્વેમાં જણાયું હતું કે સમગ્ર ઇંગ્લેન્ડમાં NHSમાં, વધુ BAME સ્ટાફે ભેદભાવની કબુલાત કરતાં જણાવ્યું હતું કે તેમને લાગે છે કે તેમની સંસ્થા ગોરા કર્મચારીઓની સરખામણીમાં તેમને સમાન તકો પૂરી પડાતી નથી.’’

રિપોર્ટ અનુસાર, BAME સ્ટાફના 16.7 ટકા લોકોએ અગાઉના 12 મહિનામાં મેનેજર, ટીમ લીડર અથવા અન્ય સાથીદાર પાસેથી કામમાં ભેદભાવ અનુભવ્યો હતો. BAME સ્ટાફના 69 ટકાથી વધુ લોકોએ કહ્યું હતું કે તેમની સંસ્થા સમાન તકો પૂરી પાડે છે, જે પ્રમાણ અગાઉના વર્ષે 71 ટકા અને 2016માં 73 ટકા હતું.

સર્વેનો જવાબ આપતા NHS ઇંગ્લેન્ડના ચીફ પીપલ ઓફિસર પ્રેરણા ઇસ્સારે કહ્યું હતું કે ‘’જાતિવાદ અથવા કોઈપણ પ્રકારના ભેદભાવ માટે ક્યારેય કોઈ બહાનું હોતું નથી, અને NHS સંસ્થાઓએ આ તારણો પર કાર્યવાહી કરવાનું ચાલુ રાખવું જોઈએ અને ભેદભાવનો સામનો કરવો જોઇએ.’’