પ્રતિકાત્મક તસવીર (ANI Photo)

બાંગ્લાદેશમાં ઇસ્લામ ધર્મનું કથિત અપમાન કરતી એક ફેસબૂકની એક પોસ્ટ મુદ્દે નરૈલ જિલ્લાના સાહાપરા ગામમાં મુસ્લિમ કટ્ટરવાદીઓએ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી અને લઘુમતી સમુદાયના ઘરો તથા દુકાનોમાં આગ ચાપી હતી. સ્થાનિક મીડિયા મુજબ શુક્રવારે સાંજે લોકોના ટોળાએ હુમલો કર્યા પછી પોલીસે સ્થળ પર પહોંચીને હવામાં ગોળીબાર કરી સ્થિતિ કાબુ મેળવ્યો હતો.

ઢાકા ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ લોકોના ટોળાએ હિન્દુઓની અનેક દુકાનો, ઘરો અને મંદિર પર હુમલા કર્યા હતા. એક યુવકે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચાડી હોવાના અહેવાલ બાદ આ હિંસા થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ શુક્રવાર (જુમા)ની નમાઝ પછી એક સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે હિંસા ભડકી હતી. ફેસબૂકમાં થયેલી પોસ્ટના વિરોધમાં પહેલા મુસ્લિમોએ દેખાવો કર્યા અને પછી લઘુમતીઓ પર હુમલો કર્યો હતો.

પોલીસ અધિકારી હરન ચંદ્ર પોલે જણાવ્યું કે, હવામાં ગોળીબાર કરીને ભીડને વિખેરવામાં આવી હતી. આકાશ સાહા નામના એક યુવાને ફેસબૂક પર વાંધાજનક પોસ્ટ કરતાં મુસ્લિમો ગુસ્સે ભરાયા હતા. પોલીસે આકાશને શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ન મળતા તેના પિતાને ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે, લઘુમતીઓ પર હુમલો કરનારામાંથી કોઈની ધરપકડ કરાઈ નથી.

સ્થાનિક નિવાસી દીપાલી રાની સાહાને અખબારે કહેતા ટાંકી હતી કે, એક ટોળું તેમના ઘરમાં ઘૂસી આવ્યું હતું અને બધી જ કિંમતી વસ્તુઓ લૂંટીને જતુ રહ્યું હતું. થોડીક વારમાં જ બીજું એક ટોળું આવ્યું હતું, તેને લૂંટવા માટે કશું ન મળતા તેમણે ઘરમાં આગ લગાવી દીધી હતી. દિઘાલિઆ યુનિયન પરિષદમાં અનામત બેઠકનાં ભૂતપૂર્વ મહિલા સભ્યે જણાવ્યું કે, આ હુમલા પછી ગામમાં બધા જ હિન્દુઓ ઘર છોડીને જતા રહ્યા હતા.