બાંગ્લાદેશમાં હિન્દુઓ સામેની હિંસાના વિરુદ્ધમાં ઇસ્કોનના અનુયાયીઓએ મીણબત્તી પ્રગટાવીને આ હિંસાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઇસ્કોનના સભ્યોએ વિશ્વભરમાં દેખાવો કર્યા હતા.(PTI Photo/Swapan Mahapatra)

બાંગ્લાદેશમાં મંદિરો અને હિન્દુઓ પરના હુમલાની વિરુદ્ધમાં 150 દેશોમાં વિરોધી દેખાવો કરવામાં આવ્યા હતા. જુદા જુદા દેશોમાં ઇસ્કોન કેન્દ્રો પર પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હુમલાખોરો સામે સખત પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ સામેની હિંસા દરમિયાન ઇસ્કોન મંદિર પર પણ હુમલો થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા.

વિશ્વભરના ઇસ્કોન સેન્ટર્સ પર વિરોધ પ્રદર્શનઃ મોદી અને યુએનના હસ્તક્ષેપની માગ

માયાપુર ઇસ્કોનનું વૈશ્વિક મુખ્યાલય છે. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઇસ્કોન)કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાંથી આવી રહેલી તસ્વીરો દુનિયાભર માટે દુઃખદ છે. ન્યૂ યોર્ક, મોસ્કો, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડાના કેટલાંક વિસ્તારોમાં વિરોધી પ્રદર્શન ચાલુ થઈ ચુક્યા છે. 23 ઓક્ટોબરે 150 દેશોના તમામ ઇસ્કોન મંદિરો અને બીજી સરકારી સંસ્થાઓમાં શ્રદ્ધાળુઓએ આ હિંસાની વિરોધમાં પ્રદર્શન કર્યા હતા.
બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા દરમિયાન પંડાલો અને હિન્દુઓ વિરુદ્ધ વ્યાપક હિંસા ફાટી નીકળી હતી.

આની વિરુદ્ધમાં ઇસ્કોન દ્વારા ભારતમાં કોલકાતા સહિતના બીજી અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કોલકાતામાં ઇસ્કોનના સભ્યોએ બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇકમિશનની બહાર દેખાવો કર્યા હતા. ઇસ્કોને આ મુદ્દે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રસંઘની દરમિયાનગીરીની માગણી કરી હતી. બાંગ્લાદેશમાં 13થી 17 ઓક્ટોબર વચ્ચે વ્યાપક હિંસા ફાટી નીકળી હતી. મંદિરો અને દુર્ગા પંડાલને નિશાન બનાવવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ રવિવારની રાત્રે એક ટોળાએ 66 મકાનોમાં તોડફોડ કરી હતી અને 20 મકાનો ફુંકી માર્યા હતા.