આજે ગાંધીનગરસ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો ૬ઠ્ઠો પદવીદાન સમારોહ વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧ર હજાર જેટલા પદવીધારક વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે નવ દીક્ષિત યુવાઓને પ્રતિબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, શિક્ષણ એવું ક્ષેત્ર છે જેની સાથે નિરંતર જોડાયેલું રહેવું પડે છે. માત્ર પદવી પ્રાપ્ત કરવા પૂરતી શિક્ષણની આરાધના લાભદાયી નથી આથી જીવનભર હ્વદયમાં વિદ્યાર્થીભાવ જાગૃત રાખી, સતત શિક્ષણ દ્વારા કૌશલ્યવાન બનવાથી જ શ્રેષ્ઠ સફળતા હાંસલ થઇ શકશે. જીવનમાં સત્યના માર્ગ પર કર્તવ્યધર્મનું સતત પાલન કરવા અને સ્વાધ્યાયમાં પ્રમાદ નહીં કરવાની શીખ પણ યુવાનોને આપી હતી. જીવનમાં સફળતા માટેના પુરૂષાર્થ સાથે સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે સંકલ્પબદ્ધ થવા પણ રાજ્યપાલશ્રીએ યુવાઓને અનુરોધ કરી નશામુક્તિ, સ્વચ્છતા, પ્રાકૃતિક કૃષિ જેવા ક્ષેત્રે યત્કિંચિત યોગદાન આપવા જણાવ્યું હતું. તેમણે કોરોના સંક્રમણને અટકાવવા લોકજાગૃતિ જ મહત્વની હોવાનું જણાવી યુવાનોને આ ક્ષેત્રે પણ યોગદાન આપવા ભારપૂર્વક જણાવ્યું હતું.
જ્યારે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, ૧૯૯૪માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં સ્થપાયેલી રાજ્યની એકમાત્ર આ ઓપન યુનિવર્સિટી શિક્ષણ, સંસ્કૃતિ અને સદભાવના દિશાબોધન ધામ તરીકે રાજ્યના ધમધમતા શહેરોથી માંડીને અંતરિયાળ છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધીના જનસમૂહોને ઘેરબેઠાં જ્ઞાન ગંગા પહોચાડે છે. તેમણે આ યુનિવર્સિટીએ ટ્રાન્સજેન્ડર, જેલના કેદીઓ, દિવ્યાંગ બાળકો, શહીદવીરોની ધર્મપત્નીઓ-બાળકો અને HIV ગ્રસ્ત લોકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાના યુનિવર્સિટીના અભિગમની પ્રસંશા કરી હતી. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પદવી પ્રાપ્ત કરનારા સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ગુજરાતમાં યુનિવર્સિટી શિક્ષણને મજબૂત બનાવવા વિધાનસભામાં બિલ રજૂ કરાયું છે હવે ગુજરાતમાં મહિલા યુનિવર્સિટીની પણ સ્થાપના થશે અને શિક્ષણના હબ તરીકે ગુજરાત વધુ મજબૂત બનશે. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય પ્રધાન વિભાવરીબહેન દવેએ સૌ પદવીધારકોને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રારંભમાં કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાયે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી, યુનિવર્સિટીની સફળગાથા દોહરાવી હતી અને પદવીધારક વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. વિવિધ વિદ્યાશાખાના વડાઓ, પ્રાધ્યાપકો, પદવી-મેડલ પ્રાપ્ત છાત્રો વર્ચ્યુઅલ માધ્યમથી આ સમારોહમાં જોડાયા હતા.