બ્રિટીશ એસોસિએશન ઑફ ફિઝિશિયન ઑફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO) વેલ્સ દ્વારા 30મી જાન્યુઆરીના રોજ તેમની 11મી એન્યુઅલ કોન્ફરન્સ વર્ચ્યુઅલી યોજવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પીકર્સ સાથે વેલ્સના ફર્સ્ટ મિનીસ્ટર અને ભારત તથા વેલ્સના આરોગ્ય પ્રધાનોએ વક્તવ્ય આપ્યા હતા અને કોવિડ-19ની આપણા જીવન પર થયેલી આરોગ્ય અને સામાજિક અસરોની ચર્ચા કરી હતી.

કોન્ફરન્સનો શુભારંભ BAPIO વેલ્સના સેક્રેટરી ડો. હસમુખ શાહ, BEM એ મહેમાનોનું સ્વાગત કરી BAPIOની ભૂમિકા વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું. ડૉ. શાહે વિવિધ અગ્રણીઓ અને વક્તાઓનો પરિચય કરાવી કહ્યું હતું કે આ કોન્ફરન્સમાં આપણા આરોગ્ય અને એનએચએસ પર પર રોગચાળાની ઘેરી અસરની ચર્ચા કરાશે.

BAPIO વેલ્સના અધ્યક્ષ પ્રોફેસર કેશવ સિંઘલ, MBEએ વેલ્સમાં વિકસિત કોવિડ-19ના રીસ્ક એસેસમેન્ટ ટૂલની ઝાંખી આપી હતી, જેનાથી ઘણા લોકોના જીવ બચ્યાં છે. તેમણે વેલ્સમાં કોઈપણ પ્રકારનાં ભેદભાવ વગર કામ કરવાના ફર્સ્ટ મિનીસ્ટરના નિર્ણયની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે “રોગચાળાએ આપણા સમાજની અસમાનતાઓને એકદમ ઉજાગર કરી છે. તેનાથી વંચિતો અને BAME લોકોને અસર થઈ છે અને તે આપણને આત્મમંથન કરવા પ્રેરી રહી છે. BAPIO (વેલ્સ) માર્ચ 2020માં BAME સમુદાયના હેલ્થકેર વર્કરોના ઉચ્ચ મૃત્યુદરને પ્રકાશિત કરવામાં ખૂબ જ સક્રિય હતું. જેને પરિણામે, ફર્સ્ટ મિનીસ્ટરે કોવિડ-19 રીસ્ક એસેસમેન્ટ સબગૃપની સ્થાપના કરી હતી, જેણે મે 2020માં કોવિડ-19 રીસ્ક એસેસમેન્ટ ટૂલની રચના કરી હતી. BAPIO આપણા સમાજની સુધારણા અને બધાના સમાન અધિકારો માટે અભિયાન ચાલુ રાખશે.”

ફર્સ્ટ મિનીસ્ટર પ્રો. માર્ક ડ્રેકફોર્ડે હેલ્થ અને સોસ્યલ કેરમાં BAME સ્ટાફ પર રોગચાળાની અપ્રમાણસર અસર વિશે વાત કરી તેમણે પ્રોફેસર કેશવ સિંઘલની અધ્યક્ષતામાં પેટા જૂથ દ્વારા વિકસિત કરાયેલા ઓલ વેલ્સ કોવિડ-19 વર્કફોર્સ રિસ્ક એસેસમેન્ટ ટૂલ પર પણ પ્રકાશ પાડ્યો હતો.

મુખ્ય વકતવ્ય આપતા કિંગ્સ ફંડના અધ્યક્ષ લોર્ડ કક્કર પી.સી.એ વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે કોવિડ-19 એ ખાસ કરીને BAME સમુદાયને અસર કરી અને આ મહત્વપૂર્ણ મુદ્દાને હલ કરવા માટે સર્વગ્રાહી અભિગમની ભલામણ કરી હતી.

વેલ્સના હેલ્થ મિનીસ્ટર વૉન ગેધીંગ એમ.એસ.એ સમજાવ્યું હતું કે કેવી રીતે વેલ્સ અને ભારત વચ્ચેની સ્વાસ્થ્ય ભાગીદારીથી બંને દેશોને ફાયદો થયો છે અને ભારતીય ડૉક્ટરો માટે ફેલોશિપ્સ શરૂ કરવામાં તેમની ભૂમિકા માટે BAPIO વેલ્સની પ્રશંસા કરી હતી.

ભારતના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન, ડો. હર્ષ વર્ધને ભારતે કેવી રીતે રોગચાળાનો સામનો કર્યો અને વૈશ્વિક રસી ઉત્પાદનમાં મોખરે રહ્યા તે વિષે વાત કરી કોવિડ-19 સામેના ભારતના અત્યંત સફળ પ્રયત્નોથી દરેક ભારતીયને તેમના વારસા પર ગર્વ છે તેમ જણાવ્યું હતું.

યુ.કે.માં ભારતના હાઈ કમિશનર ગાયત્રી ઇસ્સાર કુમારે ઐતિહાસિક કડીઓ અને બંને દેશો વચ્ચેના પરસ્પર લાભદાયી સહયોગનો સારાંશ આપી યુકેમાં BAPIO અને ભારતીય ડોકટરોની કામગીરીની પ્રશંસા કરી હતી, જેઓ પોતાના જીવનના ભોગે દર્દીઓની સુરક્ષા માટે ફ્રન્ટલાઇન પર કામ કરી રહ્યા છે.

આ સંમેલનમાં ડૉ. એન્ડ્ર્યૂ ગુડૉલ, સીબીઇ (ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસીસ અને સીઈઓ એનએચએસ વેલ્સ), જેન હટ, MS (ડેપ્યુટી મિનીસ્ટર અને ચીફ વ્હિપ); ડૉ. ફ્રેન્ક આથર્ટન (ચીફ મેડિકલ ઓફિસર વેલ્સ); પ્રોફેસર ઇકબાલસિંહ ઓબીઇ (સેસોપના અધ્યક્ષ); લેફ્ટનન્ટ જનરલ વેંકટેશ, એમડી, (વાઇસ ચાન્સેલર, મણિપાલ એકેડેમી ઑફ હાયર એજ્યુકેશન, ભારત); અલુન કેર્ન્સ, એમપી; સ્ટીફન ડાઉટી, એમપી; ડૉ. હિથર પેન (સિનિયર મેડિકલ ઓફિસર વેલ્સ); એન્થની ઓમો (જનરલ કાઉન્સેલ અને ડાયરેક્ટર ફિટનેસ ટુ પ્રેક્ટિસ જીએમસી) સહિત અન્ય આગેવાનોએ વર્તમાન પરિસ્થિતિ અને BAPIOના મહત્વ વિશે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

BAPIO દ્વારા વ્યાવસાયિક શ્રેષ્ઠતા, તબીબી શિક્ષણ અને સમાનતા અને વિવિધતા પર કેન્દ્રિત એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. પ્રોફેશનલ એક્સેલન્સ માટે ડૉ. મુરલી વર્મા, શિક્ષણ અને તાલીમ માટેની સેવાઓ બદલ પ્રો. પુષ્પીંદર મંગત, પ્રોફેસર ઉઝો ઇવોબી અને શ્રીમતી ઉષા લાડવા-થોમસને સમાનતા અને વિવિધતામાં તેમના યોગદાન માટે અને આંતરરાષ્ટ્રીય નેતૃત્વ માટે પ્રો. માર્ટિન સ્ટેગલને એવોર્ડ એનાયત કરાયા હતા.

વિશ્વભરના 250 થી વધુ પ્રતિનિધિઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. બ્રિટિશ ભારતીય નર્સીસ એસોસિએશનની સ્થાપના આ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી.