પ્રતિકાત્મક તસવીર (istockphoto)

યુરોપિયન યુનિયનમાં બાસમતી ચોખાના ટાઇટલ હક મેળવવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ ચાલુ થયો છે. ભારતે બાસમતીના વિશેષ ટ્રેડમાર્ક માટે યુરોપિયન યૂનિયનમાં અરજી કરી છે. આ અરજી સ્વીકારવામાં આવે તો યુરોપીય યુનિયનમાં બાસમતીના ટાઈટલનો હક ભારતને મળી જશે, પરંતુ પાકિસ્તાન તેનો જોરદાર વિરોધ કર્યો છે.

પ્રોટેક્ડેટ જિઓગ્રાફિકલ ઈન્ડિકેશન(પીજીઆઈ)નો દરજ્જો એવા ખાસ ભૌગોલિક ક્ષેત્ર સાથે જોડાયેલા ઉત્પાદનો માટે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ પૂરું પાડે છે જ્યાં તેના ઉત્પાદન અથવા તૈયારીનો ઓછામાં ઓછો એક તબક્કો સંપૂર્ણ થતો હોય. ઉલ્લેખનીય છે કે ભારતને દાર્જિલિંગ ચા, કોલંબિયાને કૉફી તેમજ અનેક ફ્રેન્ચ વસ્તુઓને પણ પીજીઆઈ ટેગ મળેલ છે. આવી વસ્તુઓની નકલ કરવામાં આવે તો કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે અને બજારમાં તેની કિંમત પણ વધારે હોય છે.

વિશ્વમાં બાસમતીની નિકાસ માત્ર ભારત અને પાકિસ્તાન જ કરે છે. સંયુક્ત રાષ્ટ્રના ડેટા અનુસાર દુનિયામાં સૌથી વધારે બાસમતીની નિકાસ ભારત કરે છે. ભારતની વાર્ષિક નિકાસ 6.8 બિલિયન ડોલર છે. પાકિસ્તાન 2.2 બિલિયન ડોલર સાથે ચોથા ક્રમાંકે છે. લાહોરની અલ-બરકત રાઈસ મિલ્સના માલિક ગુલામ મુર્તઝા કહે છે કે, આ અમારા માટે પરમાણુ બોમ્બ ફેંકવા સમાન છે. તેઓ અમારા બજારોને હડપ કરવા માંગે છે.