વેસ્ટ યોર્કશાયરની બાટલી ગ્રામર સ્કૂલના રીલીજીયસ એજ્યુકેશનના શિક્ષકે વિદ્યાર્થીઓને મોહમ્મદ પૈગંમ્બર સાહેબનું કાર્ટૂન બતાવતા બ્રિટનમાં વસતા મુસ્લિમોમાં વ્યાપક આક્રોશ ફેલાયો છે. તે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગત અઠવાડિયે શાળાના દરવાજા ઉપર ગુસ્સે ભરાયેલા મુસ્લિમોના ટોળાએ એકઠા થઇ સુત્રોચ્ચારો કર્યા હતા. શિક્ષકને કાર્ટૂન બતાવવા બદલ જાનથી મારી નાંખવાની ધમકીઓ મળતા તે પોતાના પરિવાર સહિત છુપાઇ ગયા છે.

ફ્રેન્ચના વ્યંગિત અખબાર ચાર્લી હેબ્દોમાંથી લેવામાં આવેલા કાર્ટૂનના ‘અયોગ્ય’ ઉપયોગ માટે હેડટિચર ગેરી કિબલે રોષે ભરાયેલા માતાપિતાની માફી માંગી તે કાર્ટૂનના ઉપયોગ ‘સંપૂર્ણ અયોગ્ય’ હોવાનું સ્વીકાર્યું હતું.

ગુરૂવારે સવારે બાટલી ગ્રામર સ્કૂલની બહાર વાલીઓ સહિત ડઝનબંધ લોકો વિરોધ દર્શાવવા માટે એકત્ર થયા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયો ફૂટેજમાં બતાવવામાં આવ્યું છે કે, સ્કૂલના દરવાજાની આસપાસ માસ્ક પહેરેલું ટોળું હતું. સ્કૂલમાં એક માતા-પિતાએ જણાવ્યું હતું કે, આ કાર્ટૂન ફ્રેન્ચ મેગેઝિન ચાર્લી હેબ્દોમાંથી લેવામાં આવ્યું હતું, જેના પર પેરિસમાં વર્ષ 2015 માં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં 12 લોકોની હત્યા કરવામાં આવી હતી. મસ્જિદના નેતાઓએ ઉગ્ર વિરોધ કરવા સૌને એકઠા થવા હાકલ કરી હતી.

જો કે, કોમ્યુનિટી સેક્રેટરી રોબર્ટ જેન્રીકે શિક્ષક છુપાઇ રહ્યા છે તેવા અહેવાલોને ‘ખૂબ જ ખલેલ પહોંચાડતા’ ગણાવી વિરોધ પ્રદર્શન બરાબર ન હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે શિક્ષકોને ‘પ્રોફેટ મોહમ્મદની છબીઓ યોગ્ય રીતે બતાવવા’ માટે સ્વતંત્રતા હોવી જોઈએ. જો કે, લંડનની સોઆસ યુનિવર્સિટીના ઇસ્લામિક અધ્યયનના સંશોધનકાર ડૉ. અલ્યા એબ્બીયરીએ જેન્રિકની ટિપ્પણીથી અસંમત હોવાનું જણાવ્યું હતું. કારણ કે મુસ્લિમ ધર્મમાં મોહમ્મદ પૈગંમ્બરના વર્ણન-ચિત્રણને અપમાનજનક માનવામાં આવે છે.

શિક્ષકે ક્લાસમાં મોહમ્મદ પૈગંમ્બરનું ચિત્ર બતાવવાની ઘટનાને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ‘સંપૂર્ણ અસ્વીકાર્ય’ ગણાવી હતી. ડીપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘’ધમકીઓ આપવા અને કોરોના વાઇરસ પ્રતિબંધના ઉલ્લંઘન સહિત, વિરોધનો પ્રકાર આપણે જોયો છે, તેનો અંત આવવો જ જોઇએ. શિક્ષકોને ધમકાવવાની બાબત ક્યારેય સ્વીકાર્ય નથી. જ્યારે મુદ્દા ઊભા થાય છે ત્યારે માતાપિતા અને સ્કૂલ્સ વચ્ચે ચર્ચા થાય તેવું અમે ઇચ્છીએ છીએ. સ્કૂલ્સ તેમના અભ્યાસક્રમમાં મુદ્દાઓ, વિચારો અને સામગ્રીની સંપૂર્ણ શ્રેણીનો સમાવેશ કરવા માટે સ્વતંત્ર છે. ક્લાસમાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવો તે નક્કી કરવા સહિત વિવિધ ધર્મો અને માન્યતા ધરાવતા લોકો વચ્ચે સન્માન અને સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત સાથે તેમણે આ સંતુલન જાળવવું જરૂરી છે.’’

બીજી તરફ શિક્ષકના પિતાએ આરોપ લગાવ્યો છે કે ‘’મારા પુત્રને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી હોવાથી ભય લાગી રહ્યો છે કે તેની હત્યા કરવામાં આવશે. તે હવે ક્યારેય તેના જૂના જીવનમાં પાછો ફરી શકશે નહીં. મારો પુત્ર રડતો રહે છે અને કહે છે કે તેના માટે તે બધું સમાપ્ત થઈ ગયું છે. તેના પિતાએ શાળાને વખોડી કાઢતા આરોપ મૂક્યો છે કે આ લેસનને અભ્યાસક્રમના ભાગ રૂપે શાળા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

વીસીની વય ધરાવતા તે શિક્ષકનું નામ છુપાવવામાં આવી રહ્યું છે અને ધમકી મળ્યા બાદ તે પોતાની પાર્ટનર સાથે છુપાયેલો છે. તેને ભય છે કે જે રીતે ફ્રાન્સના શિક્ષકની હત્યા થઇ હતી તેવું જ તેની સાથે થશે અને કુટુંબના અન્ય સભ્યો પર પણ હુમલો થઈ શકે છે. તેની માતા હુમલાની આશંકાને પગલે છુપાઇ ગઈ હતી. શિક્ષકના ઘર પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરો ગોઠવવામાં આવ્યા હતા. યુવકોની ટોળકી તેની શોધખોળ માટે ઘરે ગઇ હોવાનું પડોશીઓએ જણાવાયું હતું. પોલીસ અધિકારીઓ પણ મુલાકાત લીધી હતી.

બીજી તરફ સસ્પેન્ડેડ શિક્ષકને ફરીથી કામ પર લેવા પીટીશન શરૂ થઇ છે અને તેમને નોકરી પર પરત  લેવા 64,૦૦૦ લોકોએ સમર્થન આપી સહીઓ કરી છે.

આ ઘટનાએ ગયા અઠવાડિયે યોર્કશાયર વિસ્તારમાં રોષની લાગણી ફેલાવી હતી. પરંતુ મુસ્લિમ સમુદાયના નેતાઓએ હવે વિરોધ બંધ કરવાની હાકલ કરી છે. સમુદાયના નેતાઓ ચિંતિત છે કે કોવિડને કારણે પાછલા વર્ષનું શિક્ષણ બગડ્યું છે ત્યારે હવે વધુ અભ્યાસ બગડે તે વ્યાજબી નથી. નજીકની મસ્જિદોના નેતાઓએ જાહેર કર્યું કે શાળાએ ઔપચારિક તપાસ હાથ ધરે તેવું કહ્યા પછી લોકોને દરવાજાથી દૂર રહેવાની વિનંતી કરી છે.

સ્નોડોન મસ્જિદના અધ્યક્ષ અકુજી બદાતે કહ્યું હતું કે ‘અમે માતા-પિતા અને શિક્ષક સાથે મળીને કામ કરી રહ્યા છીએ, અને શાળાએ શિક્ષકને સસ્પેન્ડ કરીને માયાળુ વર્તન કર્યું છે, જેથી શાળાની બહાર શાંતિપૂર્ણ વિરોધ કરવાનું કોઈ વાસ્તવિક કારણ નથી. સ્કૂલે પોતાનું કામ કર્યું છે અને અમારી સાથે સારો સહયોગ આપ્યો છે.’

વેસ્ટ યોર્કશાયર પોલીસે જણાવ્યું કે આ ઘટના સંદર્ભે અનેક ફરિયાદો કરવામાં આવી છે. વધુ વિગતવાર સમીક્ષા કરવામાં આવી રહી છે.