Parshottam Rupala with Vijay Rupani, Nitinbhai Patel
પુરુષોત્તમ રૂપાલા, વિજય રૂપાણી અને નીતિનભાઈ પટેલ (ફાઇલ તસવીર) (ANI Photo/ ANI Picture Service)

ગુજરાત ભાજપે વિધાનસભાની ચૂંટણી પહેલા તેની કોર કમિટીમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભૂતપૂર્વ ડેપ્યુટી મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના વરિષ્ઠ નેતાઓનો રવિવારે સમાવેશ કરવાની જાહેરાત કરી હતી. સરકાર અને સંગઠન વચ્ચેના તાલમેલને વધુ સુદ્રઢ બનાવવા સિનિયરોને સાથે રાખી નિર્ણયો લેવાની હાઇકમાન્ડની સૂચના બાદ આ ફેરફાર કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.

કોર કમિટીમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂતપૂર્વ પ્રધાનો આર સી ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ડો. ભરત બોઘરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપે સિનિયરોને ચૂંટણી પ્રક્રિયામાં સાથે લઇ સિનિયોરિટી મુજબ સન્માન આપવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.

શનિવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક આશ્ચર્યજનક પગલું ભરીને રાજ્યના ઇતિહાસમાં પહેલી વખત બે સિનિયર કેબિનેટ પ્રધાનો પાસેથી મહત્વના ખાતા આંચકી લીધા બાદ કોર કમિટીમાં ફેરફાર કરાયા છે. ભાજપાએ સરકાર તથા સંગઠન વચ્ચે સંકલન જળવાય, નીતિ વિષયક બાબતોની ચર્ચા થાય અને પક્ષના સંકલ્પોને કેવી રીતે સરકારી ઢાંચામાં ગોઠવવા અને સફળતાપૂર્વક તેનો અમલ કરવા સહિત રાજકીય મુદ્દાઓની ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ ઘડવા માટે કોર કમિટીની રચના કરેલી છે. ગયા સપ્ટેમ્બરમાં ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ નવા પ્રધાનમંડળે પદભાર સંભાળ્યો પછી પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે મુખ્યપ્રધાન ઉપરાંત પાંચ મહામંત્રી, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ભૂતપૂર્વ આદિજાતિ પ્રધાન ગણપત વસાવા, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ૧૨ સભ્યોની કોર કમિટીની રચના જાહેર કરી હતી.