bhupendra patel
ગુજરાત સરકારે 76માં સ્વતંત્રતા દિનની ઉજવણીનો સત્તાવાર કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના મોડાસામાં યોજ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવી તેને સલામી આપી હતી

ગુજરાત સરકારે 76માં સ્વતંત્રતા દિનની ઉજવણીનો સત્તાવાર કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના મોડાસામાં યોજ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવી તેને સલામી આપી હતી અને ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા આલેખી હતી. આ પ્રસંગે તેમણે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારા સહિતની કેટલીક મોટી જાહેરાતો કરી હતી.

મુખ્યપ્રધાને ખુલી જીપમાં બેસી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પછી રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થઇ હતી. કાર્યક્રમ બાદ મુખ્યપ્રધાન તથા મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.રાજ્યના નાગરિકોને 76માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ભારત દેશને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવી આઝાદ લોકતાંત્રિક ભારતની સ્થાપના કરનાર વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે.

આઝાદીની લડાઈનું નેતૃત્વ ગુજરાતની ભૂમિના બે સપૂતો ગાંધીજી અને સરદાર સાહેબે લીધું હતું. આઝાદીના ૭૫ વર્ષ પછી આજે ભારત જ્યાં ઉભું છે, ભારતે જે પ્રગતિ કરી છે તેના પાયામાં આ સ્વતંત્ર વીરોનું બલિદાન જ છે.મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે સમાજના ગરીબ, વંચિત અને નબળા વર્ગોના હૃદયમાં વડાપ્રધાન મોદીનું વિશેષ સ્થાન છે. છેલ્લાં 20 વર્ષની સફળતાની ગાથાને યાદ કરીએ તો આપણને જણાય છે કે મોદીએ વિકાસમાં ગુજરાતને અગ્રસ્થાને મૂકવા માટે સખત પરિશ્રમના નવા બેન્ચમાર્ક નિર્ધારિત કર્યા છે. સુરક્ષા અને સલામતીના નવી સ્તર હાંસલ કરવાની અને સર્વગ્રાહી વિકાસને નવા રેકોર્ડે લઈ જવાની તમામની ફરજ છે.

તેમણે જણાવ્યું હતું કે કોરોના મહામારીથી સમગ્ર વિશ્વને અસર થઈ છે, પરંતુ ગુજરાતે મોદીના નેતૃત્વ હેઠળ આ કટોકટી સામે વિજય મેળવ્યો છે. ગુજરાતે દેશ અને વિશ્વને આરોગ્ય, કૃષિ અને ઉદ્યોગના સંતુલિત વિકાસની વ્યાખ્યા આપી છે. ગાય આધારિત કુદરતી ખેતી પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. ડાંગ જિલ્લાને 100 ટકા કુદરતી ખેતી આધારિત જિલ્લો જાહેર કરાયો છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે અભૂતપૂર્વ પ્રગતિ કરી, દેશના વિકાસમાં અનન્ય યોગદાન આપ્યું હોવાનો ઉલ્લેખ કરી મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, આજે ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ બન્યું છે. તત્કાલિન સમયે તેમણે ચીંધેલા વિકાસના પથ ઉપર આજે ‘ટીમ ગુજરાત’ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટેની યાત્રા નિષ્ઠાપૂર્વક આગળ વધી રહી છે.

સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે દસ કરોડ ઉપરાંત વેક્સિન ડોઝ આપીને ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે. એર એમ્બ્યુલન્સ શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. દર અઠવાડીયે શુક્રવારે આરોગ્ય દિવસ અંતર્ગત બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનીંગથી સારવારનો નવતર અભિગમ અપનાવીને ત્રણ કરોડથી વધુ નાગરિકોને આ સેવામાં આવરી લીધા છે. આયુષ્યમાન ભારત-પીએમજેએવાય ‘મા’ યોજનામાં ૧ કરોડ ૪૫ લાખ લાભાર્થીઓને આવરી લીધા છે. રાજ્યના સાડાચાર લાખ જેટલાં નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ આપવામાં આવ્યા છે.