યુએસએના નવા પ્રેસિડેન્ટ જો બાઇડનની સુરક્ષા સાથે સંકળાયેલા 150 અધિકારીઓને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના પગલે ચાર લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. 21 જાન્યુઆરીએ એક જ દિવસમાં ચાર હજાર લોકોના કોરોનાના કારણે મોત થયા હતા.
બાઇડને 20 જાન્યુઆરીએ પ્રેસિડેન્ટપદના શપથ લીધા તે અગાઉ તત્કાલિન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કેપિટોલ હિલમાં કરેલા હિંસક તોફાનો બાદ બાઇડનની સુરક્ષા વધારવામાં આવી હતી. બાઇડનની શપથવિધિમાં હિંસા થશે તેવા ડરના કારણે કેપિટોલ હિલમાં 20 જાન્યુઆરીએ 25 હજાર નેશનલ ગાર્ડઝ્ તહેનાત કરવામાં આવ્યા હતા.
વ્હાઇટ હાઉસની બહાર પણ બેરિકેડ્સ અને અન્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વ્હાઇટ હાઉસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 20 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં તહેનાત કરાયેલા 25 હજાર સુરક્ષા કર્મીઓ પૈકીના ઘણા લોકો કોરોના સંક્રમિત થયા હતા અને તેમની સંખ્યા વધવાની શંકા પણ હતી.
જોકે, નેશનલ ગાર્ડઝ્ દ્વારા જણાવાયું હતું કે સૈનિકોના કોરોના સંક્રમણની વિગતો જાહેર કરાશે નહીં. જોકે સ્પષ્ટતા કરાઇહતી કે તેમને વોશિંગ્ટન ડીસીમાં તહેનાત કરાયા પહેલાં તેમનું કોરોના ટેસ્ટિંગ કરાયું હતું અને તેમના શરીરનું ટેમ્પરેચર પણ માપવામાં આવ્યું હતું. હવે હજારો સૈનિકોને ઘરે પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને એક અંદાજ પ્રમાણે 15 હજાર સૈનિકોને વોશિંગ્ટનથી પરત મોકલાશે.