Big drop in students learning Gujarati: Gareth Thomas calls for more government help
‘સેવ ગુજરાતી’ અભિયાનનું 2015માં નેતૃત્વ કરનાર ગેરેથ થોમસ, એમપી સાથે વીરેન્દ્ર શર્મા, એમપી અને ગાયક કલાકાર અનુરાધા પૌડવાલ

2015 અને 2021 ની વચ્ચે GCSEમાં ગુજરાતી સહિત બંગાળી, ફારસી, પંજાબી અને ઉર્દૂ વિષય માટે પરિક્ષા આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. લેબર સાંસદ ગેરેથ થોમસે મુખ્ય દક્ષિણ એશિયન ભાષાઓનો વ્યાપ વધે તે માટે વધુ સરકારી મદદની હાકલ કરી છે. G.C.S.E.માં ગુજરાતી ભાષા માટેના પ્રવેશમાં 77%, બંગાળીમાં 66%, પર્શિયનમાં 65%, પંજાબીમાં 45%નો અને ઉર્દૂમાં 37%નો ઘટાડો જોવા મળ્યો છે.

યુકેમાં ભાષાઓના શિક્ષણમાં સુધારો કરવા માટે ભાગ્યે જ સરકાર દ્વારા ધ્યાન અથવા મદદ અપાય છે. જો કે મેન્ડરિન અને લેટિન ભાષા માટે તાજેતરમાં વિશેષ ભંડોળ અપાયું છે. બ્રિટને દક્ષિણ એશિયન ભાષાના શિક્ષણને સમર્થન આપવાની જરૂર છે, ગુજરાતીથી ઉર્દૂ, બંગાળી અને પંજાબીથી ફારસી સુધી. દક્ષિણ એશિયાઈ ભાષાઓનું શિક્ષણ બ્રિટનના આર્થિક ભાવિ તેમજ આપણા દેશના યુવાનોમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા માટેની તક માટે મહત્વપૂર્ણ છે.

વેપારને વેગ આપવા, વેપારની તકો ખોલવા અને અમારી સામૂહિક સુરક્ષાને સુધારવામાં મદદ કરવા માટે દક્ષિણ એશિયાના લોકો તેમની પોતાની ભાષાઓમાં વાતચીત કરી શકે તેવા યુવા લોકોની નવી પેઢી શરૂ કરવા માટે સમાન રોકાણ અને પ્રતિબદ્ધતાની જરૂર છે. એવો અંદાજ છે કે દક્ષિણ એશિયા 2030 સુધીમાં “ગ્રાહક વર્ગ”માં 1 બિલિયન નવા પ્રવેશકો ઉમેરાશે.

ભાષામાં વિદ્યાર્થીઓનો પ્રવેશ વધારવા માટે સમર્પિત ભંડોળ, શિક્ષકોની નિષ્ણાત તાલીમ, મુખ્ય શાળા કાર્યક્રમ, સામુદાયિક શાળા માટે સમર્થન અને યોગ્ય તાલીમની જરૂર છે.

હેરો વેસ્ટના સાંસદ ગેરેથ થોમસે સમુદાયમાં GSCE અને A-લેવલની પરિક્ષાઓમાં લોકો વધુ પ્રવેશ મેળવવા માટે મિનિસ્ટર્સ અને પરીક્ષા બોર્ડને સમજાવવા માટે સફળ ઝુંબેશનું નેતૃત્વ કર્યું છે. તેમણે કહ્યું હતું કે “આ ભાષાઓમાં રોકાણ કરવામાં મિનિસ્ટર્સની નિષ્ફળતા પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો તરફ દોરી રહી છે. રશિયા અને ચીન સાથે ચાલી રહેલા રાજકીય તણાવને લગતી સમસ્યાઓ દક્ષિણ એશિયા સાથે વેપારને ટર્બોચાર્જ કરવાની જરૂરિયાતને વધુ ઉજાગર કરે છે. ભાષાઓ શીખતા બાળકોમાં કૌશલ્યનો વિકાસ થાય છે જે અભ્યાસક્રમના અન્ય ભાગોમાં તેમના પ્રદર્શનમાં મદદ કરે છે. મંદિરો, મસ્જિદો અને સેટરડે ક્લબ દ્વારા, યુવાનોને ભાષાઓ શીખવામાં મદદ કરવા માટે પ્રયાસ કરાય છે પરંતુ વધુ સમર્થનની જરૂર છે. હું સરકારને વિનંતી કરું છું કે તેઓ સ્થાનિક સમુદાયો અને શાળાઓને યુવાનોને આ મહત્વપૂર્ણ ભાષાઓ શીખવામાં મદદ કરવા માટે યોગ્ય સમર્થનની જરૂરિયાતને ઓળખે અને મદદ કરે.’’

થોમસે જણાવ્યું હતું કે ‘’દક્ષિણ એશિયાની ભાષાઓમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે. જો આપણે ભારત અને અન્ય દક્ષિણ એશિયાઈ દેશો સાથે મજબૂત વેપારી, સાંસ્કૃતિક અને સુરક્ષા સંબંધો ઈચ્છતા હોઈએ તો આપણે ગુજરાતી, ઉર્દૂ, બંગાળી, પંજાબી, તમિલ હિન્દી વગેરે દક્ષિણ એશિયાઈ ભાષાઓ માટે શાળાઓ અને સમુદાયના શિક્ષણમાં વધુ રોકાણ કરવું પડશે. મેન્ડરિન અને લેટિનની જેમ દક્ષિણ એશિયાની ભાષાઓના શિક્ષણને ટેકો આપવા માટે ભંડોળ ફાળવવાની જરૂર છે. દક્ષિણ એશિયા વિશ્વની કેટલીક સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓનું ઘર છે તેથી ભાષોનું શિક્ષણ યુકેની લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિ માટે નિર્ણાયક છે.’’

તેમણે જણાવ્યું હતું કે ‘’પાંચ વર્ષ પહેલાં, મેં સરકારના મંત્રીઓ અને પરીક્ષા બોર્ડને GCSE અને A-લેવલની ભાષાની લાયકાત જાળવી રાખવા એક સફળ લોકો દ્વારા સંચાલિત અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. આજે આપણને શાળાઓ અને કોલેજોમાં આ લાયકાતોની ખૂબ જ સ્પષ્ટ જરૂરિયાત છે. જેને માટે સમર્પિત ભંડોળ, શિક્ષકોની નિષ્ણાત તાલીમ વગેરેની જરૂર છે. મંદિરો, મસ્જિદો અને સેટર ડે ક્લબ દ્વારા સમુદાયો ઉત્તમ મદદ કરી રહ્યા છે. હું સરકારને સ્થાનિક લોકોને મદદ કરવા માટે ભંડોળ ફાળવવા વિનંતી કરૂ છું.

LEAVE A REPLY

14 − ten =