વોરીક યુનિવર્સિટીમાંથી પોલિટિક્સ, ફિલોસોફી અને ઇકોનોમિક્સમાં ડિગ્રી મેળવી વોટફોર્ડ કન્ઝર્વેટિવના ડેપ્યુટી ચેર તરીકે સેવા આપતી ગુજરાતી મૂળની બિનીતા મહેતા – પરમારે તા. 5ના રોજ યોજાનાર સ્થાનીક ચૂંટણીઓમાં વોટફર્ડના મેયર તરીકે ઉમેદવારી કરી છે.

23 વર્ષની વયે વોટફર્ડના પ્રથમ હિંદુ કાઉન્સિલર તરીકે ચૂંટાયેલી અને વોટફોર્ડ કાઉન્સિલના કન્ઝર્વેટિવ ગ્રૂપની નેતા બિનીતાએ જણાવ્યું હતું કે ‘’આપણે એશિયનો દેશના વિકાસમાં ઘણી બધી રીતે યોગદાન આપી સ્થાનિક સમુદાયની સેવા પણ કરીએ છીએ. પરંતુ આપણે યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ ધરાવતા નથી. એકમાત્ર હિંદુ કાઉન્સિલર તરીકે, હું અમારા નગરની પ્રથમ બિન-શ્વેત મહિલા મેયર બનવા ઈચ્છું છું જેથી હું આપણા સમુદાયનું પ્રતિનિધિત્વ કરી શકું અને વોટફર્ડને એક એવું નગર બનાવી શકું જ્યાં આપણે બધા વિકાસ કરી શકીએ. મને વોટફર્ડની પાંડવ વિદ્યાશાળા, ભક્તિવેદાંત મનોર અને વોટફોર્ડ વેલમુરુગન મંદિર તેમજ સ્થાનિક નેપાળી, તમિલ, હિંદુ અને ભારતીય સમુદાય, વોટફોર્ડ હિંદુ ગ્રૂપ અને તેની ગુજરાતી શાળા તરફથી સરસ સમર્થન મળ્યું છે. ઘણા સમાન વિચાર ધરાવતા લોકો પણ અમારી સાથે જોડાયા છે.’’

બિનીતાએ જણાવ્યું હતું કે ‘’હું હંમેશા લોકોને રાજકારણથી આગળ રાખીશ અને એક માઇગ્રન્ટ પરિવારની દિકરી તરીકે હું સમુદાયની જરૂરિયાતો અને ચિંતાઓને સમજું છું. હું હંમેશા તેમના માટે ઉભી રહીશ અને વોટફોર્ડના રહેવાસીઓને પ્રથમ સ્થાન આપીશ. જો મતદારો મને મેયર તરીકે ચૂંટશે તો હું દિશા પરિવર્તનની ખાતરી આપુ છું. અમે વોટફોર્ડ માટે એક મહત્વાકાંક્ષી નવી શરૂઆત કરીને લેવાયેલા  ખરાબ નિર્ણયોને સુધારીશુ. અમારા નગર માટે મારી પાસે સકારાત્મક દ્રષ્ટિ છે. ખોટી દિશામાં જઈ રહેલા શહેરને સાચા માર્ગ પર પાછુ લાવવા માંગુ છું. વોટફોર્ડને હાઇ ડેન્સીટી લો રાઇઝ પરવડે તેવા ઘરોની જરૂર છે. હું ટાઉન પાર્કિંગની સમસ્યાને હળવી કરવા, કાર માલિકો સામેના યુદ્ધનો અંત લાવવા, કાઉન્સિલ ટેક્સમાં ઘટાડો કરવા માટે મેયર તરીકે પ્રાથમિકતા આપીશ. હું ગાર્ડનિંગ વેસ્ટ પર £45 સુધીના સરચાર્જને દૂર કરીશ. આ ઉપરાંત ટાઉનના યોગ્ય વિકાસ અને પર્યાવરણની જાળવણી માટે પ્રયત્નો કરીશ.’’

બિનીતાએ જણાવ્યું હતું કે ‘’વેસ્ટ હર્ટફોર્ડશાયર હોસ્પિટલ્સ NHS ટ્રસ્ટને મહત્તમ ભંડોળ મળે તે માટે અને વોટફોર્ડ જનરલ હોસ્પિટલના પુનઃવિકાસને સમર્થન આપવા અમારા સ્થાનિક સાંસદ, ડીન રસેલ સાથે સખત મહેનત કરી રહ્યા છીએ. સ્થાનિક ગુનાને ઓછા કરવા અમારા કન્ઝર્વેટિવ પોલીસ અને ક્રાઈમ કમિશનર ડેવિડ લોયડ સાથે વોટફોર્ડને વધુ પોલીસ અધિકારીઓ આપવા કામ કરીશ. સ્થાનિક બિઝનેસીસને સમર્થન આપવા વોટફોર્ડ માર્કેટને પુનઃસ્થાપિત કરીશ અને ગ્રાહકો ઇન્ડીપેન્ડન્ટ શોપ પરથી ખરીદી કરી શકે તે માટે વધુ સારા પાર્કિંગ ચાર્જની ઓફર માટે કામ કરીશ.’’

મૂળ ગુજરાતના ખંભાતના પિતા ગિરીશ અને તારાપુરના વતની રેખા મહેતાની દિકરી બિનીતાનો પરિવાર વોટફોર્ડમાં જ કોમ્યુનિટી ફાર્મસી ધરાવે છે. બિનીતાના બા અને દાદાએ 1980ના દાયકામાં વોટફોર્ડ હિન્દુ ગ્રુપ અને તેની ગુજરાતી સ્કૂલની સ્થાપના કરી હતી.