ભાજપે બુધવાર 19 ઓક્ટોબરે કુલ 68 બેઠકો ધરાવતી હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે 62 ઉમેદવારોની તેની પ્રથમ યાદી જારી કરી હતી. પાર્ટીએ એક કેબિનેટ પ્રધાન સહિત 11 વર્તમાન ધારાસભ્યોને પડતા મૂક્યા છે તથા સુરેશ ભારદ્વાજ અને રાકેશ પઠાણિયા સહિત બે મંત્રીઓની બેઠકો બદલી છે.પક્ષે રાજ્યના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરને તેમના વર્તમાન મતવિસ્તાર સેરાજમાંથી મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી 12 નવેમ્બરે યોજાવાની છે અને ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુખરામના પુત્ર અનિલ શર્માને મંડીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને પાર્ટીના દિગ્ગજ નેતા પ્રેમ કુમાર ધૂમલનું નામ યાદીમાં નથી. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે 78 વર્ષીય નેતાએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. તેમના પુત્ર અનુરાગ ઠાકુર કેન્દ્રીય મંત્રી છે. ઉમેદવારોની યાદીમાં અનુસૂચિત જનજાતિના આઠ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાજપની આ યાદીમાં પાંચ મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. આની સામે વિપક્ષ કોંગ્રેસે અત્યાર સુધીમાં જાહેર કરેલા 46 ઉમેદવારોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ કર્યો છે.
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની સોમવારની બેઠક દરમિયાન ભાજપની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યાં હતા.

LEAVE A REPLY

1 + fifteen =