Senior Gujarat Congress leader Mohan Singh Rathwa joined BJP
(Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

ગુજરાતમાં ડિસેમ્બરમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ કાર્યકરો, શુભેચ્છકો, જનતા પાસેથી આશરે રૂ.200 કરોડનું ચૂંટણી ફંડ એકત્ર કરશે. પક્ષ આર્થિક સહયોગ મેળવવા જૂન માસ દરમિયાન સહયોગનિધિ એકત્રિત કરવાનું એક વિશેષ અભિયાન શરૂ કરશે. ગુજરાત પ્રદેશ કારોબારીમાં લેવાયેલા વિવિધ ચૂંટણીલક્ષી નિર્ણયોની જાહેરાત સાથે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જાહેર કર્યું હતું કે, સહયોગનિધિ મારફતે રૂ.૨૦૦ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે.
ગુજરાતની ચૂંટણી અંગે ગયા સપ્તાહે યોજાયેલી ચિંતન બેઠકમાં તૈયાર કરાયેલી રણનીતિના કાર્યક્રમોને આગળ વધારવા માટે સોમવારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કારોબારીની બેઠક યોજાઇ હતી. આ કારોબારીમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, સહપ્રભારી સુધિર ગુપ્તા, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત પ્રદેશ કારોબારીના સભ્યો, વિવિધ મોરચાના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ૩૦ મેથી ૧૫ જૂન દરમિયાન એક પખવાડિયા માટે મોદી શાસનના આઠ વર્ષની ઉજવણી તેમજ ચૂંટણીલક્ષી વિસ્તારકોના પ્રવાસ, ઓબીસી, એસસી, એસટી સહિતના વિવિધિ સમાજના સંમેલનો, ગામડાઓમાં પ્રવાસ વગેરે તૈયાર કરવામાં આવ્યા છે.

ભાજપ ચૂંટણી ફંડના નામે વેપારીઓના ખિસ્સા ખાલી કરશે: આપ

ભાજપ દ્વારા રૂ. 200 કરોડ ચૂંટણી ફંડ એકત્ર કરવાના નિર્ણયની ટીકા કરતા આમ આદમી પાર્ટીએ એવો આક્ષેપ કર્યો છે કે ચૂંટણી ફંડના નામે વેપારીઓ પાસેથી હવે બળજબરીથી નાણાં વસૂલીને તેમના ખિસ્સા ખાલી કરશે. ભાજપ અત્યાર સુધી પોલીસ તંત્રનો દુરુપયોગ કરતી હતી તે હવે 200 કરોડનો ટાર્ગેટ પૂરો કરવા તમામ વિભાગો અને તંત્રનો બેફામ દુરુપયોગ કરશે.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે કે ચૂંટણી સમયે ભાજપ નવી યુક્તિઓ શોધતો રહે છે જેથી જનતા પાસેથી પૈસા લઇ શકે. ખુલ્લેઆમ આવી રીતે ચૂંટણીના નામે પૈસા લેવાની જાહેરાત બદલ ભાજપને શરમ આવવી જોઇએ. વેપારીઓ પાસેથી પૈસા વસૂલીને ચૂંટણી વખતે ખોટા વાયદાઓ કરીને ચૂંટણી પછી ભાજપ મ્હોં ફેરવી લેશે.