અમદાવાદ મહાનગરપાલિકીની 21 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં ભાજપે 46 પાટીદાર, 45 ઓબીસી, 17 બ્રાહ્મણ અને આઠ ક્ષત્રિય ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપમાં સૌથી વધુ ઉમેદવારો સાથે પાટીદારોનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે.

આ ચૂંટણીમાં પણ ભાજપે ટિકિટોની વહેંચણીમાં જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારો ઊભા રાખ્યા છે.
ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે પાટીદાર આંદોલનને લીધે ભાજપને ઘણુ નુકસાન થયું હતું. જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પણ વિપરીત પરિણામ આવ્યા હતાં. પાટીદારો ભાજપથી મોં ફેરવીને બેઠાં હતાં પણ હવે પરિસ્થિતિ બદલાઇ છે. અમદાવાદ શહેરમાં જાતિગત સમીકરણો આધારે 192 ઉમેદવારો પૈકી 46 પાટીદારોને ટિકિટ આપી છે.

બીજી તરફ ભાજપે રાજકીય ગણિત માંડતાં ઓબીસીને પણ મહત્વ આપ્યુ છે. 45 ઓબીસી ઉમેદવારોને ય કમળના નિશાન પર ચૂંટણી લડવાની તક આપી છે. અમદાવાદમાં રામોલ, વટવા, નરોલ, સરખેજ, લાંભા, નરોડા સહિતના પૂર્વના વિસ્તારોમાં પરપ્રાંતિયો મતદારોની સંખ્યા મોટી છે. તેના કારણે ભાજપે નોન ગુજરાતી ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતાર્યાં છે. પક્ષે 24 પરપ્રાંતિયને ટિકીટ આપી છે. અન્ય જ્ઞાતિમાં વણિક સમાજના 15 ઉમેદવારોને પણ ભાજપે ટિકિટો ફાળવી છે. 30 એસસી ઉમેદવારો પણ કમળના નિશાન પર ચૂંટણી લડી રહ્યાં છે.