પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે અમેરિકાની જેમ હવે ગુજરાત ટ્રાફિક પોલીસને પણ બોડી કેમેરાથી સજ્જ કરાશે. ટ્રાફિક પોલીસના યુનિફોર્મ પર કેમેરા લગાવવામાં આવશે અને તેને કંટ્રોલ રૂમના મોનિટર સાથે સીધા કનેક્ટ કરવામાં આવશે. આ કેમેરા લગાવવાનો હેતુ ટ્રાફિક પોલીસનું પબ્લિક સાથે વર્તન અને નિયમન પાલન માટેનો છે.

પત્રકારો સાથે વાતચીત કરતાં રૂપાણીએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ટ્રાફિક પોલીસના સબ ઈન્સ્પેક્ટરથી ઉપરની રેન્કના અધિકારીઓના યુનિફોર્મ પર કેમેરા પિન અપ કરવામાં આવશે અને તેની લાઈવ ફીડનું સ્ટ્રીમિંગ કંટ્રોલ રૂમના મોનિટર પર કરવામાં આવશે. પ્રાથમિક તબક્કામાં ટ્રાફિકના સબ ઈન્સ્પેક્ટર તેમજ ઈન્સ્પેક્ટરને આ કેમેરાથી સજ્જ કરાશે. બોડી કેમેરાની મેળવવાની ટેન્ડર પ્રક્રિયા અંગે તેમણે જણાવ્યું હતું કે, બોડી કેમેરા મેળવવાની ટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. પોલીસ જવાનો સમાજના રક્ષક છે અને તેમણે નિર્દોષ પ્રજાને ક્યારેય હાની પહોંચાડવી જોઈ નહીં. કેમેરા સતત ચાલુ રહેશે જેથી પોલીસનું સામાન્ય વ્યક્તિ સાથેનું વર્તન સીધું જીવંત નિહાળી શકાશે. આ ટેક્નોલોજીની મદદથી પોલીસ અને નાગરિક સાથેના વર્તનમાં બદલાવ જોવા મળશે તેમજ પોલીસ પર લાગતા ખોટા આક્ષેપોથી પણ બચી શકાશે.

રૂપાણીએ આર આર સેલને પણ રદ કરવાની જાહેરાત કરી હતી. જેતે રેન્જ આઈજીની દેખરેખ હેઠળ આર આર સેલ કામ કરે છે. દરેક રેન્જમાં ત્રણથી ચાર જિલ્લાનો સમાવેશ થતો હોય છે અને દરેક જિલ્લાના પોલીસ સુપરીટેન્ડેન્ટ (SP) સંબંધિત રેન્જ આઈજીને રિપોર્ટ કરતા હોય છે. 1995માં રેન્જ આઈજીને મદદરૂપ થવા આર આર સેલની રચના કરવામાં આવી હતી જેની મુખ્ય ભૂમિકા ગેરકાયદે પ્રવૃતિ પર રેડ કરવાની હોય છે. પ્રવર્તમાન સમયે આ સેલનું ખાસ મહત્વન ના રહેતા તેને રાજ્યમાં ભેળવી દેવામાં આવશે.