Unseasonal rains in Ahmedabad, North Gujarat and Kutch: One dead due to lightning

નૈઋત્યનું ચોમાસું બે દિવસના વિલંબ બાદ આખરે મુંબઈ આવી પહોંચ્યું છે. મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મુંબઈ ઉપરાંત પૂણે, નાસિક, કોલ્હાપુરમાં વરસાદ થયો હતો. મુંબઇમાં વરસાદની સાથે હવે ટૂંકસમયમાં ગુજરાતમાં પણ મેઘરાજાની પઘરામણી થશે. મુંબઈમાં વહેલી સવારે ઝરમર વરસાદથી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળી હતી. કોંકણમાં સામાન્ય રીતે 9 જૂને ચોમાસાનું આગમન થતું હોય છે.

મુંબઈમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસું કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં આવી પહોંચ્યું છે. તેનાથી કોંકણમાં ધોધમાર વરસાદ સાથે રાજ્યમાં હળવો વરસાદ થશે. જે વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તેવા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધે તે માટે હવામાન સાનુકૂળ છે. જો હવામાન સાનૂકૂળ રહેશે તો ચોમાસાની સિસ્ટમમાં વધુ પ્રગતિ થશે.

મુંબઈમાં શનિવારે ઘણા વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. ભારે પવનો અને વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થયો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 11 જૂને ચોમાસું મુંબઈ, થાણે, રાયગઢ, મધ્ય મહારાષ્ટ્રના કેટલાંક પ્રદેશો, પૂણે અને કર્ણાટકમાં ગડક જિલ્લા સુધી પહોંચી ગયું છે.

10 જૂન સવાર 8 વાગ્યાથી 11 જૂન સવાર આઠ વાગ્યા સુધી મધ્ય મુંબઈમાં સરેરાશ 25.56 મીમી વરસાદ નોંધાયો હતો. પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં અનુક્રમે 21.64 મીમી અને 34.18 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ જણાવ્યું હતું કે ચોમાસું 29 મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચ્યું હતું અને 31 મે પછી દક્ષિણ અને મધ્ય અરબી સમુદ્ર, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના વિસ્તારમાં ચોમાસું આવી પહોંચ્યું છે. ચોમાસાને પગલે પૂર્વોત્તર ભારતમાં સારો વરસાદ થયો છે.

અગાઉ હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસામાં કોઇ વિલંબ થયો નથી. મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન સાથે ભારે પવનો ફૂંકાઈ રહ્યાં છે અને તેનાથી વાદળો બની રહ્યાં છે. ચોમાસુ રાબેતા મુજબ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનામણિએ જણાવ્યું હતું કે ચોમાસાની પ્રગતિમાં કોઇ વિલંબ થયો નથી. પ્રગતિ ધીમી પડી હોવાના અહેવાલને ફગાવી દેતા તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે આગામી બે દિવસ માટે ચોમાસાના મજબૂત ડેટા છે. ભારે પવનો છે અને વાદળો બની રહ્યાં છે.

આ વર્ષના ચોમાસા માટેની આગાહીમાં સુધારો કરતાં હવામાન વિભાગે અગાઉ જણાવ્યું હતું કે આ સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે. દેશમાં આ સિઝનમાં સરેરાશ 103 ટકા અને ગુજરાત જેવા રાજ્યમાં 106 ટકા વરસાદની ધારણા છે. ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજયમોહપાત્રાએ જણાવ્યું હતું કે ચોમાસાની આ સિઝનમાં સરેરાશ વરસાદ લાંબા ગાળાની એવરેજના 103 ટકા રહેવાની ધારણા છે. ખેતી માટે વરસાદ પર આધાર રાખતા ગુજરાત સહિતના રાજ્યોમાં સરેરાશ 106 ટકા વરસાદ થવાની શક્યતા છે. એપ્રિલમાં આઇએમડીએ સામાન્ય વરસાદ એટલે કે લાંબા ગાળાની સરેરાશના 99 ટકા વરસાદની આગાહી કરી હતી. લાંબા ગાળાની એવરેજ એટલે કે 1971-2000 સુધીના 50 વર્ષમાં પડેલો વરસાદ છે. સમગ્ર દેશમાં લાંબા ગાળાનો સરેરાશ વરસાદ 87 સેન્ટિમીટર એટલે કે આશરે 34.25 ઇંચ છે.

મોહપાત્રાએ જણાવ્યું હતું કે ખેતી માટે વરસાદ પર આધાર રાખતા ગુજરાતથી લઇને ઓડિશા સુધીના મોન્સૂન કોર ઝોન રાજ્યોમાં લાંબા ગાળાની સરેરાશના 106 ટકાથી વધુ વરસાદ થવાની ધારણા છે. મધ્ય ભારત અને દક્ષિણ દ્વિપકલ્પમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થશે, જ્યારે ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમના રાજ્યોમાં સામાન્ય ચોમાસું રહેવાની શક્યતા છે.