ભારતે તેની વિશાળ વસતિમાં કોરોનાના બૂસ્ટર ડોઝની જગ્યાએ ડબલ વેક્સિનેશનને અગ્રતા આપવી જોઇએ. ભારતમાં હજુ મોટી સંખ્યામાં લોકોએ રસીના બે ડોઝનું રક્ષણ મેળવ્યું ન હોવાથી સરકારે પહેલા આવા લોકોના રસીકરણ અંગે ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ, એમ વૈજ્ઞાનિકોએ શનિવારે જણાવ્યું હતું..

કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટ અને કોરોના રસીના રક્ષણમાં ઘટાડાને પગલે દેશમાં કોરોનાનો શિકાર થઈ શકે તેવા લોકોમાં બૂસ્ટર ડોઝની જરૂરિયાત અંગે હાલમાં ચર્ચા ઊભી થઈ છે. વિશ્વના ઘણા દેશોમાં બૂસ્ટર્સ ડોઝ આપવાનું ચાલુ પણ થઈ ચુક્યું છે. જોકે ભારતના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મોટાપાયે રસીકરણનું અભિયાન હજુ માત્ર આઠ મહિના પહેલા ચાલુ થયું હોવાથી આપણા દેશની પ્રાથમિકતા અલગ હોવી જોઇએ.

હાલમાં બૂસ્ટર્સ ડોઝ ન આપવાની તરફેણ કરતો નિષ્ણાતોનો આ અભિપ્રાય ઇન્ડિયન સાર્સ-કોવ-2 જિનોમિક્સ સિકવન્સિંગ કોન્સોર્ટિયમ (INSACOG)ની ભલામણથી વિપરિત છે. આ કોન્સોર્ટિયમે ઊંચું જોખમ ધરાવતા 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં બૂસ્ટર ડોઝની ભલામણ કરેલી છે. INSACOG  કોરોનાના જિનોમિક વેરિયન્ટ્સની દેખરેખ કરવા સરકારે રચેલું નેશનલ ટેસ્ટિંગ લેબનું નેટવર્ક છે.

ઇમ્યુનોલોજિસ્ટ વિનીતા બાલે જણાવ્યું હતું કે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોની સંખ્યા વિશાળ છે. આ લોકોને વેક્સિન ન મળે ત્યાં સુધી બૂસ્ટર કે ત્રીજા ડોઝની સર્વસામાન્ય નીતિ હિતાવહ નથી.આપણે ભારતમાં પાત્રતા ધરાવતી તમામ વસતિના સંપૂર્ણ રસીકરણ પર ધ્યાન કરવું જોઇએ અને 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોનું મોટાપાયે વેક્સિનેશન કરવું જોઇએ.

નવી દિલ્હીની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્યુનોલોજી (એનઆઇઆઇ)ના સત્યજિત રથે જણાવ્યું હતું કે વિશ્વભરમાં કોઇપણ વેક્સિન માટે બૂસ્ટર્સ ડોઝની જરૂર છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. જો બૂસ્ટર ડોઝ અસરકારક હોય તો પણ તે માત્ર કામચલાઉ ઉપાય છે. આપણે દર મહિને બૂસ્ટર્સ લેવાનું ચાલુ રાખી શકીએ નહીં.

વિનીતા બાલે આ અંગે સંમત થતાં જણાવ્યું હતું કે ભારતમાં રોગપ્રતિકાર શક્તિમાં ઘટાડોના કોઇ નક્કર ડેટા નથી. જોકે સમય જતાં તેમાં ઘટાડો થતો હોય છે. રસીકરણ બાદ સીરમમાં એન્ટિબોડી લેવલમાં છ મહિના પછી ઘટાડો થાય છે, પરંતુ તે પ્રોટેક્ટિવ ઇમ્યુનિટીમાં મોટો ઘટાડો કરતી હોવાનો પૂરતો પુરાવો નથી.