બિઝનેસ લીડર્સ સમક્ષ ધમાકેદાર ભાષણ આપ્યા પછી અને સોશ્યલ કેરથી લઈને રેલવે સુધીની શ્રેણીબદ્ધ નીતિઓ પર તેમની પકડ ગુમાવવાનો વડા પ્રધાન બોરિસ જૉન્સન પર આરોપ મૂકાયો છે. કન્ઝર્વેટિવ સાંસદો તરફથી તેમની યોગ્યતા અને ડ્રાઇવ વિશે ગંભીર પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. વિવાદાસ્પદ સોશ્યલ કેર કેપ પર બેકબેન્ચના બળવા પછી અસ્તવ્યસ્ત પોલીસી યુ-ટર્ન અને અકળામણોનો દોર ચાલુ રહ્યો હતો.

સાઉથ શિલ્ડ્સમાં કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી  (CBI) કોન્ફરન્સમાં તેમણે લગભગ 20 સેકન્ડ સુધી ભાષણમાં પોતાનું સ્થાન ગુમાવ્યું હતું. તેમના પ્રદર્શન પછી લોકોમાં નિરાશા વધી હતી જેમાં હેમ્પશાયરના પેપ્પા પિગ વર્લ્ડના ઉલ્લેખે બળતામાં ઘી હોમ્યું હતું. તેમના ભાષણ પછી, ઉદ્યોગપતિઓએ વડા પ્રધાનના ધ્યાન પર સવાલ ઉઠાવ્યા હતા.

સરકારની વધતી જતી સમસ્યાઓમાંની એક સમગ્ર ચેનલમાંથી સ્થળાંતર કરીને યુકે આવનારાઓના પ્રવાહને કેવી રીતે અટકાવવો તે છે. બહાર આવ્યું છે કે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પર આ મુદ્દે વધુ પગલા ભરવા માટે નંબર 10 પરથી “અત્યંત દબાણ” કરાઇ રહ્યું છે.

ડાઉનિંગ સ્ટ્રીટના એક સ્ત્રોતે બીબીસીને જણાવ્યું કે “વડા પ્રધાન વિશે બિલ્ડિંગની અંદર ઘણી ચિંતા છે … કામ થતું નથી. કેબિનેટે જાગવાની જરૂર છે અને ગંભીર ફેરફારોની માંગ કરવાની જરૂર છે અન્યથા વધુ ખરાબ થતું રહેશે”.

એક ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીએ ગાર્ડિયનને કહ્યું હતું કે “ખરેખર તેમની યોગ્યતા સાથે સંબંધિત વસ્તુઓનો સંચય થઈ રહ્યો છે અને તે ખૂબ જ અસ્થિર દેખાવા લાગ્યા છે. જો કે સંજોગો તેમના નેતૃત્વ સામેના પડકારમાં પરિણમે તેવા નથી. પરંતુ આ સંજોગો જો સામી ચૂંટણીએ આવે તો તે “તેમના માટે સમસ્યારૂપ” બની શકે છે.

અન્ય એક વરિષ્ઠ બેકબેન્ચરે જણાવ્યું હતું કે જૉન્સનનું સીબીઆઈનું ભાષણ “ગડબડ” વાળું હતું જ્યારે ત્રીજા ટોરી સાંસદે કહ્યું હતું કે “મને લાગ્યું કે ગયા અઠવાડિયેના PMQs પછી કન્ઝર્વેટિવ વડા પ્રધાન દ્વારા આજનું પ્રદર્શન સૌથી શરમજનક હતું. તેઓ પાર્ટીનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે.’’

જૉન્સનના વક્તવ્યના થોડા સમય પછી, લેબર નેતા કેર સ્ટાર્મરે બિઝનેસ લીડર્સને EU સાથે ગાઢ વેપાર અને નિયમનકારી સંબંધો અંગે વાત કરી હતી.