બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સની ફાઇલ તસવીર . (Photo by Leon Neal/Getty Images)

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જૉન્સન તા. 17ના રોજ યુક્રેનની રાજધાની કિવની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને મળ્યા હતા. તેમણે દર 120 દિવસે યુક્રેનના 10,000 સૈનિકોને તાલીમ આપવાની સંભાવના સાથે યુક્રેનિયન સશસ્ત્ર દળો માટે એક મોટા તાલીમ કાર્યક્રમ માટે ચર્ચા કરી હતી. જૉન્સને ઝેલેન્સકીને જણાવ્યું હતું કે યુકેનો સીમાચિહ્ન કાર્યક્રમ મૂળભૂત રીતે યુદ્ધના સમીકરણને બદલી શકે છે.

નોર્થ ઇંગ્લેન્ડના ડોન્કાસ્ટરમાં એક સમિટને સંબોધવાના હતા પરંતુ તેના બદલે તેમણે કિવ પોહંચી ટ્વિટ કર્યું હતું કે “મિસ્ટર પ્રેસિડેન્ટ, વોલોડીમીર, ફરીથી કિવમાં આવતા સારું લાગે છે.” જૉન્સને ડાઉનિંગ સ્ટ્રીટના એક નિવેદન દ્વારા ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’જ્યાં સુધી તેઓ જીતશે નહીં ત્યાં સુધી યુકે યુક્રેનની સાથે રહેશે. યુક્રેનિયન લોકોને સ્પષ્ટ અને સરળ સંદેશ છે કે યુકે તમારી સાથે છે.’’

જૉન્સન અને ઝેલેન્સકીએ યુક્રેનની પરિસ્થિતિ અને યુકેની આગેવાની હેઠળના નવીનતમ તાલિમ કાર્યક્રમ અંગે ચર્ચા કરી હોવાનું કહેવાય છે.  અગાઉના ઓપરેશન ઓર્બિટલમાં 2015થી યુકેએ 22,000 યુક્રેનિયન કર્મચારીઓને તાલીમ આપી ચૂક્યું છે. નવો પ્રોગ્રામ યુકેની બહારના દળોને તાલીમ આપશે. દરેક સૈનિક તાલીમ અભ્યાસક્રમમાં ત્રણ અઠવાડિયા વિતાવશે અને આગળની હરોળ માટે યુદ્ધ જીતવાની કુશળતા, મૂળભૂત તબીબી તાલીમ, સાયબર-સુરક્ષા અને વિસ્ફોટક વિરોધી યુક્તિઓ શીખશે. યુકેએ યુક્રેનને આર્થિક અને માનવતાવાદી સમર્થન માટે 1.3 બિલિયન પાઉન્ડથી વધુ મદદનું વચન આપ્યું છે.