ભારત અને યુનાઈટેડ કિંગ્ડમ(યુકે)ના ઉચ્ચ શિક્ષણ નીતિના ફેરફારોને આંતરરાષ્ટ્રીય નીતિને કેન્દ્રમાં રાખીને તેને સમજવા તથા ભારતીય શિક્ષણ ક્ષેત્ર સાથે યુકેની આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યૂહરચના શેર કરવા સહિતના વિવિધ ઉદ્દેશ્યો સાથે ગત સપ્તાહે યોજાયેલા “ઇન્ડિયા – યુકે ટુગેધર- હાયર એજ્યુકેશન કોલોબ્રેશન” કાર્યક્રમ અંતર્ગત બ્રિટિશ ડેપ્યુટી કમિશનનું પ્રતિનિધિમંડળ તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યું હતું. આ પ્રતિનિધિમંડળે શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાઘાણીની શુભેચ્છા મુલાકાત લઈ બેઠક યોજી હતી અને વિસ્તૃત ચર્ચા કરી હતી.
શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિધ્ધિઓથી અને “નોલેજ કોરીડોર” તરીકે ગુજરાતે પોતાની ઊભી કરેલી આગવી ઓળખથી આ પ્રતિનિધિમંડળ પ્રભાવિત થયું હતું. એટલું જ નહિ, ગુજરાતના સ્પેશ્યલાઇઝ્ડ યુનિવર્સિટી કોન્સેપ્ટથી અભિભૂત થઇ આ પ્રતિનિધીમંડળ નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, ચિલ્ડ્રન યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી, બાયોટેક્નોલોજીકલ યુનિવર્સિટી, સ્પોર્ટસ યુનિવર્સિટી સહિતની સ્પેશ્યલાઇઝ્ડ યુનિવર્સિટીની વિગતો મેળવી તેની મુલાકાત લેવા તત્પરતા દર્શાવી હતી.