કોરોનાના કેસમાં જંગી વધારાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને BRTS-AMTSની સિટી બસ સર્વિસ ગુરુવાર, 18 માર્ચથી અનિશ્ચિત સમય માટે બંધ કરી હતી. ગુજરાતમાં ૯૦ દિવસના સમયગાળા બાદ બુધવારે કોરોનાના નવા ૧,૧૨૨ કેસ નોંધાયા હતો. સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં ૨૭૧ કેસ નોંધાયા હતી. આ ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ ત્રણ કોરોના દર્દીના મોત થયા હતા.

BRTS-AMTS અચાનક બંધ કરવાના નિર્ણયથી સેંકડો નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઊભી થઈ હતી. . ગુરુવારથી જ ગુજરાત યુનિવર્સિટીની BBA, BCA, B.Com., અને B.Ed.ની પરીક્ષાઓનો પ્રારંભ થયો હતા. યુનિવર્સિટીએ આ પરીક્ષાઓ માટે માત્ર ઓફલાઇનનો વિકલ્પ રાખ્યો હોવાથી હજારો વિદ્યાર્થીઓએ ફરજીયાત પરીક્ષા કેન્દ્રો પર જઇને પરીક્ષા આપવાની છે. અનેક વિદ્યાર્થીઓ બહારગામથી પણ આવતા હોય છે ત્યારે AMC દ્વારા BRTS-AMTS બંધ કરવાના નિર્ણયથી વિદ્યાર્થીઓને ભારે પરેશાની નડી છે. નોકરિયાતો વર્ગ પણ ખાનગી વાહનમાં બમણું ભાડું ચૂકવીને કામના સ્થળે જવાની ફરજ પડી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અગાઉ 18 માર્ચ 2021થી શહેરના બગીચા, પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા તળાવ બંધ કર્યા હતા. બુધવારે રાજ્ય સરકારે અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂની સમય વધારીને રાતના 10થી સવારના 6 સુધી રાખવાનો નિર્ણય કર્યો હતો. નાઇટ કર્ફ્યૂ 31 માર્ચ સુધી ચાલુ રહેશે. આ પહેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી T20 સીરિઝની ત્રીજી મેચથી દર્શકો વગર જ મેચ યોજવાનો ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને નિર્ણય કર્યો હતો.