ચાન્સેલર ઋષિ સુનક (Photo by Dan KitwoodGetty Images)

ચાન્સેલર ઋષિ સુનકે રોગચાળો જાહેર થયા પછી તેમના પ્રથમ બજેટમાં લોકડાઉન સાથે સંઘર્ષ કરનારા કામદારો અને બિઝનેસીસ માટે વધુ ટેકો જાહેર કર્યો છે અને લોકોની નોકરીઓ અને આજીવિકાને બચાવવા માટે ત્રણ ભાગની યોજના તૈયાર કરી છે. ફર્લો યોજનાને વધુ ઉંચી યુનિવર્સલ ટેક્સ ક્રેડિટની ચુકવણી સાથે સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે. સુનકે સેલ્ફ મ્પલોઇડ લોકો માટે વધુ ગ્રાન્ટ્સની જાહેરાત કરી હતી અને યોજનાનો વિસ્તાર કરતા નવા 600,000 સેલ્ફ મ્પલોઇડ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બીજી તરફ મોટા કંપનીઓએ તેમના નફા પરના કરમાં 2023થી વધારે કર ચૂકવવો પડશે. તો બીજી તરફ એક મિલિયન વધુ લોકો આવકવેરા ભરવાનું શરૂ કરશે.

લેબર નેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’યુકેની કોવિડગ્રસ્ત અર્થવ્યવસ્થાને બચાવવા માટે બજેટમાં લેવાયેલા પગલાં મહત્વાકાંક્ષાની નજીકમાં જરા પણ નથી. એનએચએસ અને સોશ્યલ કેરને ઠીક કરવા, અસમાનતા ઘટાડવા અથવા વધુ પરવડે તેવા ઘરો બનાવવા માટે કંઇ કર્યું નથી. શ્રી સુનક તેમના ફ્રી-માર્કેટ સિદ્ધાંતો પર પાછા આવવા અને શક્ય તેટલું ઝડપથી સમર્થન ખેંચવા માટે મથ રહ્યા છે”

બજેટ ભાષણમાં શ્રી ઋષી સુનકે સાંસદોને જણાવ્યું હતું કે ‘’બેરોજગારી ઓછી રહેશે – અને વૃદ્ધિ વધારે. પરંતુ લાંબા ગાળાના આર્થિક નુકસાનને સુધારવામાં સમય લાગશે. રોગચાળા વિનાના અર્થતંત્રની સરખામણીએ  આગામી પાંચ વર્ષમાં અર્થતંત્ર 3 ટકા જેટલું નાનુ રહેશે. અર્થતંત્રને બચાવવા માટે પ્રતિબદ્ધ £280 બિલિયનની મદદ કરી હોવા છતાં, કોરોનાવાયરસ દ્વારા થયેલું નુકસાન “તીવ્ર” હતું. આપણું અર્થતંત્ર 10% ઘટ્યું છે જે છેલ્લા 300 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. આ દેશ અને આખા વિશ્વને આ અસાધારણ આર્થિક સ્થિતિમાંથી સાજા થવા માટે લાંબો સમય લાગશે પણ આપણે જરૂર સ્વસ્થ થઈશું.”

શ્રી સુનકે એ જાહેરાત કરી હતી કે ટ્રેઝરી વિભાગની 7૦ સિવિલ સર્વિસ જોબ્સ નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડના ડાર્લિંગ્ટનમાં સ્થાનાંતરિત કરવામાં આવશે અને ઇંગ્લેન્ડના 45 સંઘર્ષશીલ શહેરોમાં £1 બિલિયનથી વધારે રકમ વહેંચવામાં આવશે.

બજેટ પછી ડાઉનિંગ સ્ટ્રીટની પ્રેસ કોન્ફરન્સમાં શ્રી સુનકે લોકો અને ધંધાઓને “લોકડાઉનના અંતથી સારી રીતે બચાવવા” અને કોરોનાવાયરસથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની યાદમાં “નિષ્કલંક અને વધુ ન્યાયી” દેશ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. સુનકે ટીકાકારો પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે યુએસ, ફ્રાન્સ અને જર્મની સહિતના જી-7 અર્થતંત્રમાંથી સૌથી નીચો બિઝનેસ ટેક્સ યુકેનો હશે.”

કોર્પોરેશન ટેક્સનો હેડલાઇન રેટ 2023થી 19%થી 25% સુધી વધશે, જોકે નાની કંપનીઓને તેમાંથી મુક્તિ મળશે. આવકવેરા થ્રેશહોલ્ડ્સને ફ્રીઝ કરાતા 1.3 મિલિયન વધુ લોકોને આવકવેરો ભરવો પડશે. જ્યારે એક મિલિયનથી વધુને ઉંચા દરે ઇન્કમ ટેક્સની ચૂકવણી કરવી પડશે તેવી અપેક્ષા છે. ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિસ્કલ સ્ટડીઝે જણાવ્યું હતું કે 2025-26 સુધીમાં બજેટ દ્વારા વધારાના £29 બિલિયન વધારવાનું નક્કી કરાયું છે જે હાલનાં ધોરણો ખૂબ મોટી રકમ છે.

વેસ્ટમિંસ્ટર ખાતેના એસએનપીના નેતા, ઇયાન બ્લેકફર્ડે કહ્યું હતું કે “જ્યાં સુધી બિઝનેસીસ અને ડિવોલ્વ્ડ સરકારોને જરૂર હોય ત્યાં સુધી ફર્લો યોજનાને ચાલુ રાખવી જોઈએ.”

લિબરલ ડેમોક્રેટના ટ્રેઝરીના પ્રવક્તા ક્રિસ્ટીન જાર્ડિને ચેતવણી આપી હતી કે ‘’યુનિવર્સલ ક્રેડિટ ટોપ-અપ પણ ફર્લોની જેમ જ તેની સાથે સમાપ્ત થઈ જશે, એટલે કે લોકો તેમની નોકરી ગુમાવી શકે છે અને તેમને જે વધારાની સહાયની જરૂર પડશે તે પણ પ્રાપ્ત કરી શકશે નહીં.’’

અન્ય બજેટ પગલાઓ

  • કોન્ટેક્ટલેસ કાર્ડની ચુકવણીની મર્યાદા £45થી વધારીને £100 કરવામાં આવશે.
  • નેશનલ મિનિમમ વેજ એપ્રિલથી વધારીને £91 કરવામાં આવશે જે 2.2%નો વધારો છે અને આ પગાર વધારો 23 અને તેથી વધુ ઉંમરના લોકોને મળશે.
  • ઓછા ટેક્સ અને “સસ્તી કસ્ટમ્સ” સાથે ઇંગ્લેન્ડમાં નવા આઠ ‘ફ્રી પોર્ટ્સ’ ઉભા કરાશે.
  • સરકારી કોવિડ સ્કીમ્સમાં છેતરપિંડી રોકવા માટેના ટાસ્કફોર્સ સ્થાપવા માટે £100 મિલિયન ખર્ચાશે.
  • સરકાર રસીકરણ પાછળ વધુ પૈસા ખર્ચશે.
  • ઇંગ્લેન્ડના મ્યુઝીયમ્સ, થિયેટરો અને ગેલેરીઓને ખોલવા માટે £408 મિલિયન વપરાશે.
  • બંધ થવાનુ જોખમ ધરાવતા પબને લેવામાં મદદ કરવા કોમ્યુનિટીને £150 મિલિયન અપાશે.
  • સિગારેટ પરની ડ્યુટી 2% વધશે, ઉપરાંત ફુગાવો.

5% ડીપોઝીટ ધરાવતા લોકોને સરકાર મદદ કરશે: સ્ટેમ્પ ડ્યુટી હોલીડે લંબાવાઇ

પ્રોપર્ટી લેડર પર નાની ડિપોઝીટ ધરાવતા લોકો ચઢી શકે અને પોતાનું ઘર વસાવી શકે તેમજ લોકડાઉનથી અસરગ્રસ્ત પ્રોપર્ટી માર્કેટને વેગ આપવા સરકાર નાની ડીપોઝીટ ધરાવતા લોકોને મદદ કરવા માટે મોર્ગેજ ગેરંટી સ્કીમની બજેટમાં જાહેરાત કરી છે. બીજી તરફ £500,000 સુધીના મકાનની ખરીદી પર ઇંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં સ્ટેમ્પ ડ્યુટી હોલીડેના 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. આમ ઇંગ્લેન્ડ અને નોર્ધન આયર્લેન્ડમાં £500,000 સુધીના ઘરની ખરીદી પર કોઇ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે નહિં. પરંતુ જે લોકો બીજુ મકાન ખરીદશે તેમણે માત્ર 3 ટકા સરચાર્જ ભરવો પડશે. તે પછી સપ્ટેમ્બર માસના અંત સુધીમાં £250,000 સુધીના ઘર પર કોઇ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે નહિ. ત્યારબાદ £125,000થી ઉપરના તમામ ઘર પર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે. આ પગલાથી £500,000 સુધીનું ઘર ખરીદનારને £15,000નો ફાયદો થશે.

એપ્રિલ માસથી સરકાર £600,000 સુધીના મૂલ્યવાળુ ઘર ખરીદનાર વ્યક્તિ પાસે ફક્ત 5% ડીપોઝીટ હશે તો પણ તેઓ મકાન ખરીદી કરી શકશે. બકીની રકમ માટે સરકાર ગેરંટી લેશે. લોઇડ્સ, નેટવેસ્ટ, સેન્ટાન્ડર, બાર્કલેઝ અને એચએસબીસી બેન્કો એપ્રિલ માસથી 95% મોર્ગેજ ઓફર કરશે. વર્જિન મની સહિતના અન્ય લેન્ડર્સ પછીથી મોર્ગેજ પ્રોડક્ટ્સ લોન્ચ કરશે તેવી ધારણા છે.

એચએમ રેવન્યુ એન્ડ કસ્ટમ્સ તાજેતરના આંકડા અનુસાર, સ્ટેમ્પ ડ્યુટીમાંથી વાર્ષિક આશરે £12 બિલિયન મેળવે છે. જે ટ્રેઝરીના કુલ ટેક્સના આશરે 2% જેટલી રકમ છે.

સ્કોટલેન્ડમાં, જમીન અને મકાનોની ખરીદી પરના સ્ટેમ્પ ડ્યુટી દર  મુજબ છે.  £145,001થી £250,000ની ખરીદી પર 2% સ્ટેમ્પ ડ્યુટી, £250,001થી £325,000ની ખરીદી પર 5% સ્ટેમ્પ ડ્યુટી અને £325,001થી £750,000 પર 10% સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે. £750,000થી વધુ રકમ પર 12% સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. જો કે, માર્ચના અંત સુધી, સ્કોટિશ સરકારે સ્ટેમ્પ ડ્યુટી થ્રેશહોલ્ડની રકમ વધારીને £250,000 કરી હતી. વેલ્સમાં, લેન્ડ ટ્રાંઝેક્શન ટેક્સ પરના સામાન્ય દરોમાં કોઇ બદલાવ કરાયો નહતો.