(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીનગર ખાતેના ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગિફ્ટ સિટીમાં ભારત ખાતેના પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અને NSE IFSC-SGX કનેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. વડાપ્રધાન ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના હેડક્વાર્ટર ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો, જે ભારતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર (IFSCs) માં ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ, ફાઇનાન્શિયલ સર્વિસિસ નાણા સંસ્થાઓના વિકાસ તથા નિયમન માટે એકીકૃત નિયમનકાર છે.

ઇન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જથી ગોલ્ડ સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રી, જ્વેલર્સને બિઝનેસ કરવામાં મદદ કરશે. તેઓ ઇન્ટનરનેશનલ પ્રાઇસ ડિસ્કવરીમાં ભાગ લઇ શકશે. સીધા ગોલ્ડમાં ટ્રેડ કરવાની તક મળશે. ગોલ્ડ ટ્રેડિંગની માર્કેટ ઓર્ગનાઇઝ્ડ થશે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા અર્થતંત્રોમાં ભારતનો સમાવેશ થાય છે અને હવે અમેરિકા, યુકે અને સિંગાપોર જેવી ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સની લીગમાં સામેલ થયું છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં હતો, ત્યારે ગિફ્ટ સિટીની પરિકલ્પના કરી હતી તે આર્થિક ગતિવિધિઓ સુધી સીમિત ન હતી. ગિફ્ટ સિટી સાથે સામાન્ય માણસની આંકાંક્ષા, ભારતના ભવિષ્યનું વિઝન જોડાયેલું છે. જાન્યુઆરી 2013માં ગિફ્ટ બેન્કના ઉદ્ઘાટન માટે આવ્યો હતો. ત્યારે ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડિંગ કહેતા હતા. પરંતુ ગિફ્ટ સિટી એક એવો આઇડિયા પોતાના સમય કરતા પણ ઘણો આગળ હતો. આ ભવન આર્કિટેક્ચરમાં જેટલું ભવ્ય હશે એટલું જ તે ભારતને આર્થિક મહાશક્તિ બનાવવાના અનેક અવસર ઉભા કરશે.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી આગામી દિવસમાં ગુજરાતને ટ્રેડ, બિઝનેસ અને ફાઇનાન્સિયલ સર્વિસનું ગ્લોબલ સેન્ટર બનાવશે. મેન્યુફેક્ચરિંગ, સિરામિક, ડાયમન્ડ અને ફાર્માસ્યૂટિકલ હબ બન્યું છે અને હવે ફાઇનાન્સિયલ સર્વિસનું હબ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ. ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ અને કંપનીઓને આમંત્રણ આપીએ છીએ કે ગુજરાત આવો અને વ્યાપાર કરો.કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીનું ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (આઇએફએસસી) વિશ્વના અગ્રણી ફાઇનાન્સ સેન્ટર્સમાં સૌથી ઝડપથી વિકસતું સેન્ટર ગણાવાઈ રહ્યું છે.