રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકા સહિત યુરોપના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હતા, પરંતુ ભારતે રશિયા પાસેથી ઈંધણ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. ઘણા મંચો પર ભારત વતી વિદેશપ્રધાન એસ જયશંકરે વિદેશી મીડિયાના પ્રશ્નનો સચોટ જવાબ આપ્યો હતો. આ મુદ્દે જયશંકરે ફરી એક વખત જડબેસલાક જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે ભારત રશિયા પાસેથી શા માટે ઈંધણ ખરીદી રહ્યું છે. 

એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત 2000 ડોલર પ્રતિ વ્યક્તિ આવક ધરાવતો દેશ છે. અહીંના લોકો એવા નથી કે જેમને ઊર્જાના વધેલા ભાવો પરવડી શકે. તેથી તેમને શ્રેષ્ઠ સોદો આપવો એ અમારી નૈતિક ફરજ છે. વિદેશ પ્રધાન જયશંકર થાઈલેન્ડના બેંગકોકમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી રહ્યા હતા. આ સમયે, તેમણે રશિયા પાસેથી તેલ ખરીદવા સંબંધિત પ્રશ્નનો આ જવાબ આપ્યો હતો. 

વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે દરેક દેશ ઊર્જાની વધતી કિંમતોને ઘટાડવા માટે શ્રેષ્ઠ અને વાજબી સોદો સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે અને ભારત તે જ કરી રહ્યું છે. જયશંકરે એમ પણ કહ્યું હતું કે જો યુરોપ મધ્ય પૂર્વ અને અન્ય સ્ત્રોતોમાંથી ઈંધણ ખરીદી રહ્યું છે, તો ભારતને પણ શ્રેષ્ઠ સોદો સુનિશ્ચિત કરવાનો અધિકાર છે. જયશંકરે એમ પણ કહ્યું હતું કે અમે અમારા હિતોને લઈને ખૂબ જ ઈમાનદારીથી અને સરેઆમ કામ કરી રહ્યા છીએ. ઓઈલ ગેસના આટલા ઊંચા ભાવનો બોજ દેશના નાગરિકો સહન કરી શકતા નથી.