ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (ફાઇલ ફોટો (Photo by LUDOVIC MARIN/AFP via Getty Images)

લોકસભા અને વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ઉત્તરપ્રદેશ અને ત્રિપુરામાં ભાજપને રવિવારે ભવ્ય સફળતા મળી છે. યુપીમાં ભાજપે હાઇપ્રોફાઇલ રામપુર અને આઝમગઢ એમ બંને લોકસભા બેઠકો સમાજવાદી પાર્ટી પાસેથી આંચકી લીધી છે. બીજી તરફ ત્રિપુરામાં વિધાનસભાની ચારમાંથી ત્રણ બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જેમાં ત્રિપુરાના મુખ્યપ્રધાન માણિક સાહાનો સમાવેશ થાય છે. પાંચ રાજ્યો અને દિલ્હીમાં લોકસભાની કુલ 3 અને વિધાનસભાની કુલ સાત બેઠકો પર 23 જૂને પેટાચૂંટણી થઈ હતી, જેનું રવિવારે પરિણામ આવ્યું હતું.

તાજેતરની વિધાનસભાની ચૂંટણી ભવ્ય વિજય મેળવનારી આમ આદમી પાર્ટીને પંજાબમાં ફટકો પડ્યો હતો. મુખ્યપ્રધાન ભગવંત માને ખાલી કરેલી સંગરુરની લોકસભા બેઠક પર આપના ઉમેદવારોનો પરાજય થયો હતો. આ બેઠક શિરોમણી અકાલી દળ (અમૃતસર)એ જીતી હતી. જોકે દિલ્હીમાં વિધાનસભાની રાજિન્દ્ર નગર બેઠક આપે જાળવી રાખી હતી. રાજ્યસભામાં ચૂંટાયા બાદ પાર્ટીના નેતા રાઘવ ચઢાએ આ બેઠક ખાલી કરી હતી. આ બેઠક પર આપના દુર્ગેશ પાઠકે ભાજપના ઉમેદવાર રાજેશ ભાટિયાને આશરે 11,000 મતથી પરાજય આપ્યો હતો.

ઝારખંડ અને ત્રિપુરામાં કોંગ્રેસને વિધાનસભાની એક-એક બેઠક મળી હતી. ત્રિપુરામાં વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં એકપણ બેઠક જીતી ન શકેલી કોંગ્રેસ પેટાચૂંટણીમાં ખાતુ ખોલાવી શકી છે. આંધ્રપ્રદેશમાં આત્માકુરુ વિધાનસભા બેઠક પર સત્તાવારી વાએસઆર કોંગ્રેસનો વિજય થયો હતો.

યુપીમાં વિપક્ષ સમાજવાદી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. સપાનો તેનો ગઢ ગણાતી આઝામગઢ અને રામપુર લોકસભા બેઠક પર પરાજય થયો હતો. આ બેઠકો સપાના વડા અખિલેશ યાદવ અને પાર્ટીના કદાવર મુસ્લિમ નેતા આઝામ ખાને ખાલી કરી હતી. યુપીમાં ભાજપને વિજયને ઐતિહાસિક ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ રિઝલ્ટ કેન્દ્ર અને ઉત્તરપ્રદેશમાં ડબલ એન્જિન સરકારો માટે વ્યાપક સ્વીકાર અને સમર્થનનું પ્રતિક છે.

રામપુર લોકસભા બેઠક પર ભાજપના ઘનશ્યામ લોધીનો સપાના ઉમેદવાર સામે આશરે 42,000ની જંગી સરસાઇથી વિજય થયો હતો. તેમણે આઝામ ખાનના ખાસ ગણાતા મહંમદ અસીમ રાજાને હરાવ્યા હતા. આઝમગઢમાં ભાજપના ઉમેદવાર દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ નો 8,679 વોટથી વિજય થયો હતો અને ત્રણ વખતના સાંસદ તથા અખિલેશ યાદવના પિતરાઇ ભાઈ ધર્મેન્દ્ર યાદવનો પરાજય થયો હતો.