ભારત સરકાર સામે આંતરરાષ્ટ્રીય કોર્ટ્સમાં કેસ લડી રહેલી બ્રિટિશ કંપની કેઈર્ન એનર્જીના કેસના સંદર્ભમાં ભારત સરકારે દેશની સરકારી બેંકોને પોતાના વિદેશોમાં રહેલા વિદેશી ચલણના ખાતાઓમાંથી નાણાં ઉપાડી લેવા સૂચના આપી છે, કારણ કે સરકારને ડર છે કે, કેઈર્ન આવી રોકડ રકમ જપ્ત કરાવી શકે છે. કરવેરાના એક વિવાદમાં આંતરરાષ્ટ્રીય લવાદી કેસનો ચુકાદો કેઈર્નની તરફેણમાં આવ્યા પછી ભારતે 1.2 અબજ અમેરિકન ડોલર્સથી વધુની નુકશાની ચૂકવવાના આ આદેશ સામે એક તરફ અપીલ કરી છે, તો બીજી તરફ લંડન શેરબજારની યાદીમાં નોઁધાયેલી કેઈર્ન દ્વારા વિદેશમાં આવેલા ભારત સરકારના બેંક ખાતાઓ સહિતની ભારત સરકારની વિદેશોમાં આવેલી મિલકતોની યાદી તૈયાર કરવામાં આવી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. કેઈર્ન દ્વારા કરાયેલા દાવા મુજબ તે હજી ભારત સરકાર સાથે સમાધાનના પ્રયાસો કરી રહી છે. પણ કંપનીએ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, નેધરલેન્ડ્સ, સિંગાપોર તથા ક્યુબેક (કેનેડા)ની કોર્ટ્સમાં ભારત વિરૂદ્ધ દાવાઓ પણ કર્યા છે. આ કાર્યવાહીનો ધ્યેય લવાદના ચુકાદાનો અમલ કરાવવામાં મદદરૂપ થઈ શકે છે.

પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે ભારત સરકારના એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર ભારત સરકારે આ સપ્તાહે સરકારી બેંકોને માર્ગદર્શન આપ્યું હતું કે તેઓ વિદેશોમાં પોતાના નોસ્ટ્રો ખાતાઓમાંથી નાણાં ઉપાડી લે. આ સૂચના નાણાં મંત્રાલય દ્વારા અપાઈ હતી.

નોસ્ટ્રો ખાતું એટલે કોઈપણ ભારતીય બેંક વિદેશમાં જે તે દેશના ચલણમાં કોઈ બીજી બેંકમાં ખાતું ધરાવતી હોય તે. આવા ખાતાઓનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપાર માટે તેમજ વિદેશી ચલણના અન્ય વ્યવહારો માટે થતો હોય છે.

સરકારે આવો આદેશ – માર્ગદર્શન આપ્યા વિષે પૂછવામાં આવતા નાણાં મંત્રાલયે તેનો કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. ઈન્ડિયન બેંક્સ એસોસિએશન દ્વારા પણ કોઈ પ્રતિભાવ નહોતો અપાયો.

આ ટેક્સ વિવાદ અગાઉની યુપીએની ડો. મનમોહન સિંઘની સરકારે લીધેલા નિર્ણયોમાંથી ઉભો થયો હતો, જો કે 2014માં મોદી સત્તામાં આવ્યા પછી પણ તેણે આ કેસમાં તો સરકારનું વલણ નહીં બદલવા નિર્ણય લીધો હતો.