(Photo by Chris Jackson/Getty Images)

કેમિલા પાર્કર બાઉલ્સ, કિંગ ચાર્લ્સ III ના જીવનનો સાચો પ્રેમ છે, તેઓ યુવાન હતા ત્યારથી કેમિલા તેમના વિશ્વાસુ હતા અને 17 વર્ષ પછી આજે તેમના પત્ની અને હવે ક્વીન કોન્સર્ટ છે.

પ્રિન્સેસ ઓફ વેલ્સ લેડી ડાયનાની સૌતન ગણાવાયેલા કેમિલા પાર્કર બાઉલ્સને ઘણી વખત લોકો દ્વારા અપમાનિત કરવામાં આવ્યા છે. વર્ષો સુધી તેમને પ્રેસ દ્વારા ઘેરવામાં આવ્યા હતા, તેમના પર સતત હુમલો કરાતો હતો. પરંતુ તેમણે ધીમે ધીમે રોયલ ફેમિલીની સૌથી વરિષ્ઠ મહિલા સભ્ય તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું.

17 જુલાઈ 1947ના રોજ જન્મેલા કેમિલા રોઝમેરી શેન્ડનો પરિવાર ઉચ્ચ-વર્ગનો અને શ્રીમંત હતો, પરંતુ તેઓ ચોક્કસપણે રોયલ્સ ન હતા. તેમના પિતા, બ્રુસ શેન્ડ, એક નિવૃત્ત આર્મી ઓફિસર હતા તો માતા રોઝાલિન્ડ બાળકોને વ્હાલી હતી.

સ્વિટ્ઝર્લેન્ડની એક ફિનિશિંગ સ્કૂલમાં ભણેલા કેમિલા 60ના દાયકાના મધ્યભાગથી એન્ડ્રુ પાર્કર બાઉલ્સ નામના હાઉસહોલ્ડ કેવેલરી ઓફિસર સાથે ઓન-ઓફ રિલેશનશિપમાં હતા અને 1973માં તેમણે લગ્ન કર્યા હતા. પરંતુ તે પહેલા તેમનો પરિચય 1970ના દાયકાની શરૂઆતમાં યુવાન પ્રિન્સ ચાર્લ્સ સાથે થયો હતો. તે વખતે કેમિલા પોતાનું દિલ પ્રિન્સ ચાર્લ્સને આપી બેઠા હતા.

બીજી તરફ પ્રિન્સ નેવીમાં કારકિર્દી બનાવી રહ્યા હતા અને 1972ના અંતમાં તેઓ આઠ મહિના માટે વિદેશ ગયા હતા. તેમની ગેરહાજરીમાં જ એન્ડ્રુએ કેમિલાને પ્રસ્તાવ મૂક્યો હતો અને તેણીએ તે સ્વીકારી લીધો હતો. તેમણે ચાર્લ્સની રાહ ન જોઇ તે પાછળનું કારણ એવું હતું કે તેણીએ પોતાને ક્યારેય રાણી તરીકે જોઇ જ નહતી. પરંતુ લગ્ન પછી પણ તેઓ એકબીજાના જીવનનો ભાગ બની રહ્યા હતા. ચાર્લ્સ અને એન્ડ્રુ એકસાથે પોલો રમતા અને દંપતીએ ચાર્લ્સને તેમના પ્રથમ બાળક, ટોમના ગોડફાધર બનવા કહ્યું હતું. કેમિલાને બે બાળકો ટોમ અને લૌરા છે.

બીજી તરફ 1981ના સમરમાં ચાર્લ્સ યુવાન લેડી ડાયેના સ્પેન્સરને મળ્યા હતા અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. એવું કહેવાય છે કે, પ્રિન્સ ચાર્લ્સ 20ના દાયકાના હતા ત્યારથી જ તેમને કેમિલા પર ખૂબ જ લગાવ હતો. તે વખતથી પ્રિન્સ અને કેમિલા એક બીજાને ઉપનામ ફ્રેડ અને ગ્લેડીસ તરીકે સંબોધતા હતા.

કેમિલાએ પતિ પાસેથી 1995 અને ચાર્લ્સે ડાયના પાસેથી 1996માં છૂટાછેડા લીધા હતા. ડાયના સાથેના ચાર્લ્સનાં લગ્ન તૂટવા પાછળ તેમને દોષી ઠેરવવામાં આવે છે. ડાયનાના મૃત્યુ પછી 1997માં કેમિલા પર ટીકાનો વરસાદ થયો હતો અને તેનો સામનો કરવો વધુ મુશ્કેલ બન્યો હતો. ચાર્લ્સે તેમના પુત્રો વિલિયમ અને હેરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમની માતાનું મૃત્યુ થયું ત્યારે વિલિયમ 15 અને હેરી માત્ર 12 વર્ષના હતા.

કેમિલા તેમની નજરથી દૂર થઈ હતી પરંતુ તેમનો સંબંધ ચાલુ રહ્યો હતો. ચાર્લ્સ હવે કેમિલા વગર જીવી શકે તેમ ન હતા. આખરે 1999માં તેઓ કેમિલાની બહેનના 50મા જન્મદિવસની ઉજવણી વખતે રિટ્ઝ હોટેલમાં સાથે જોવા મળ્યા હતા. તેના છ વર્ષ પછી 9 એપ્રિલ 2005ના રોજ વિન્ડસરના ગિલ્ડહોલમાં સિવિલ સેરેમનીમાં લગ્ન કર્યા હતા.

2005માં, તેમના લગ્નના થોડા મહિનાઓ પછી, લગભગ 21 વર્ષીય પ્રિન્સ હેરીએ કેમિલાને “અદ્ભુત સ્ત્રી” કહ્યાં હતાં. તે પછીના વર્ષોમાં પણ કેમિલા પ્રત્યે વિલિયમ અને તેની પત્ની કેથરીન વચ્ચે હુંફાળા સંબંધો જોવા મળે છે.

ચાર્લ્સ અને કેમિલાના લગ્નને હવે 17 વર્ષ થઈ ગયા છે. જાહેરમાં, તેમનું જોડાણ સ્પષ્ટ છે. તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને આદર આપે છે. રાણી તરીકેના પદનો ઉપયોગ કરવા માટે કાયદેસર રીતે હકદાર હોવા છતાં, સત્તાવાર લાઇન એવી રહી છે કે તેમને પ્રિન્સેસ કોન્સોર્ટ તરીકે ઓળખવામાં આવશે.

LEAVE A REPLY