Campaigning for the second phase of elections is quiet
. (ANI Photo)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટેનો હાઈ-વોલ્ટેજ પ્રચાર સમાપ્ત થયો હતો અને 5 ડિસેમ્બરે મતદાન થશે. મધ્ય અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીનું રિઝલ્ટ 8 ડિસેમ્બરે જાહેર થશે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાયું હતું, જેમાં સરેરાશ 63.31 ટકા મતદાન થયું હતું, જે 2017ની ચૂંટણીમાં સરખામણીમાં આશરે 5 ટકા ઓછું હતું.

બીજા તબક્કાના ચૂંટણીના મેદાનમાં રહેલા અગ્રણી ઉમેદવારોમાં ઘાટલોડિયાથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિરમગામથી પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ગાંધીનગર દક્ષિણથી ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરનો સમાવેશ થાય છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર બંને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

આ મતવિસ્તારોમાં 2.54 કરોડ નોંધાયેલા મતદારો છે .26,409 બૂથ પર મતદાન યોજાશે અને લગભગ 36,000 ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ આપી ન હતી, તેથી તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પાદરા, બાયડ અને નાંદોદ બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્યો દિનુ સોલંકી, ધવલસિંહ ઝાલા અને હર્ષદવસાવા પણ અપક્ષ તરીકે મેદાનમાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 અને 2 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં બે રોડશો સહિત ભાજપ માટે ધુઆંધાર પ્રચાર કર્યો હતો. મોદીએ છેલ્લા બે દિવસમાં પંચમહાલ, છોટાઉદેપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, આણંદ અને અમદાવાદ જિલ્લામાં સાત ચૂંટણી રેલીઓને પણ સંબોધી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ અને વાઘોડિયામાં રેલીઓને સંબોધી હતી.

LEAVE A REPLY

19 − 15 =