કેનેડામાં ગત 2022માં તેના મંજૂરી કરાયેલા કાયમી નિવાસીઓ (પીઆર) માટેના તેના લક્ષ્યાંક સુધી પહોંચતા, દેશમાં નવા ઇમિગ્રન્ટ્સનું વિક્રમજનક સંખ્યામાં સ્વાગત કરવામાં આવ્યું હોવાનું સત્તાધિશોએ તાજેતરમાં જાહેર કર્યું હતું. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડા (IRCC) દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં ગત વર્ષે રેકોર્ડ કહી શકાય તેટલા 431,645 ઇમિગ્રન્ટ્સ નોંધાયા છે, જે 2021માં 405,303ના અગાઉના રેકોર્ડને પાર કરી ગયા છે. નિવેદનમાં વધુ જણાવ્યા મુજબ, “કેનેડાના ઈતિહાસમાં આ એક વર્ષમાં અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યામાં વિદેશી લોકોનું સ્વાગત કરવામાં આવ્યું છે. 2021માં પ્રવેશ માટે નવો રેકોર્ડ બનાવતા અગાઉ, છેલ્લે 1913માં આટલી મોટી સંખ્યામાં નવા આવનારાઓનું કેનેડાએ સ્વાગત કર્યું હતું.” એવી સંભાવના છે કે, 2022માં કાયમી નિવાસીનો દરજ્જો આપવામાં આવેલ લોકો મોટાભાગે ભારતથી આવ્યા છે, કારણ કે 2021માં ભારતમાંથી કુલ 127,933 લોકો અહીં આવ્યા હતા.

કેનેડા સરકારના ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટિજનશિપ બાબતોના પ્રધાન સીન ફ્રાસરે જણાવ્યું હતું કે, “આજે કેનેડા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ વાત છે, જે એક જ વર્ષમાં નવા આવનારા વિદેશીઓનું સ્વાગત કરવાનો નવો રેકોર્ડ બનાવે છે. તે આપણા દેશ અને અહીંના લોકોની તાકાત અને અનુકૂળતાનો પુરાવો છે.” IRCC દ્વારા 2022માં કાયમી નિવાસ, હંગામી નિવાસ અને નાગરિકતા માટેની અંદાજે 5.2 મિલિયન અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો, જે 2021ની નિકાલ કરાયેલી અરજીઓની સંખ્યા કરતા બે ગણ હતી.

ગત વર્ષે નવેમ્બરમાં, IRCCએ 2023માં 465,000 લોકોને કાયમી નિવાસીનો દરજ્જો આપવાનો લક્ષ્યાંક રાખીને 2024માં 485,000 અને 2025માં 500,000 પીઆરના વધુ મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોની જાહેરાત કરી હતી. આ લક્ષ્યાંકો 2023-2025 ઇમિગ્રેશન લેવલ્સ પ્લાનમાં વિચારણા હેઠળ હતા.

LEAVE A REPLY

5 × 4 =