ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કુલ વસ્તીના અડધાથી ઓછા લોકોએ પોતાની જાતને પ્રથમ વખત ખ્રિસ્તી તરીકે ઓળખાવી છે. જ્યારે મુસ્લિમો અને હિંદુઓની વસ્તીમાં વધારો નોંધાયો છે. મુસ્લિમોની વસ્તીમાં 15 ટકાના દરે વધારો નોંધાયો છે. 2021માં લંડનમાં ‘મુસ્લિમ’ બીજા નંબરનું સૌથી મોટું ધાર્મિક જૂથ બન્યું હતું.

2021ની વસ્તી ગણતરીના મંગળવારે જાહેર થયેલા આંકડાઓ અનુસાર, 2021માં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી ત્યારે 46.2 ટકા (27.5 મિલિયન લોકોએ) પોતાને “ખ્રિસ્તી” તરીકે વર્ણવ્યા હતા. આ આંકડો 2011માં 59.3 ટકા (33.3 મિલિયન) હતો. એટલે કે ખ્રિસ્તોની વસ્તીમાં 13.1 ટકા પોઇન્ટનો ઘટાડો થયો છે.

કોઈ ધર્મ ન પાળતા હોવાનું જણાવનાર લોકો 2011માં 25.2 ટકા (14.1 મિલિયન) હતા. જેમાં 2021માં 12 ટકા પોઇન્ટનો વધારો થયો હતો. તેઓ આજે કુલ વસ્તીના 37.2 ટકા (22.2 મિલિયન) થયા હતા.

પોતાને “મુસ્લિમ” કહેનારા લોકોની સંખ્યા 2011માં 4.9 ટકા (2.7 મિલિયન) હતી જે છેલ્લા 10-વર્ષના સમયગાળામાં વધીને વસ્તીના 6.5 ટકા (3.9 મિલિયન) થઈ છે. એટલે કે 10 વર્ષમાં આશરે 12 લાખ (1.6 ટકા) મુસ્લિમોનો વધારો થયો છે. બીજી તરફ હિંદુઓનું પ્રમાણ ઇંગ્લેન્ડ અને વેલ્સની વસ્તીના કુલ 1.5 ટકા (818,000) થી વધીને 1.7 ટકા થયું છે.

વસ્તીમાં શીખોનો હિસ્સો 2011માં 0.8 ટકા (423,000) થી વધીને 2021માં 0.9 ટકા (523,000) થયો છે. બૌદ્ધોનું પ્રમાણ પણ 0.4 ટકા (248,000) થી વધીને 0.5 ટકા (273,000) થયું છે. 2021માં લગભગ 25,000 લોકોએ કહ્યું હતું કે તેઓ જૈન છે. પણ 10 વર્ષ પહેલાનો તુલનાત્મક આંકડો ઉપલબ્ધ નથી.

લંડન સૌથી વધુ ધાર્મિક રીતે વૈવિધ્યસભર ઇંગ્લિશ ક્ષેત્ર રહ્યું હતું. લંડનના 40.7 ટકા (3.6 મિલિયન) લોકોએ પોતાને “ખ્રિસ્તી” તરીકે, જ્યારે શહેરની વસ્તીના 25.3 ટકા (2.2 મિલિયન) લોકોએ પોતાને “ખ્રિસ્તી” સિવાયના ધર્મ તરીકે ઓળખાવ્યા હતા. 2011માં બિન ખ્રિસ્તીઓનો આંકડો 22.6 ટકા (1.8 મિલિયન) હતો.

બ્રિટિશ રાજધાની લંડનમાં બીજુ સૌથી મોટુ ધાર્મિક જૂથ “મુસ્લિમ”નું હતું. લંડનમાં મુસ્લિમો 2011માં 12.6 ટકા હતા તે વધીને 2021માં 15 ટકા થયા હતા. તો લંડનમાં હિંદુઓની વસ્તીના હિસ્સામાં માત્ર 0.1 ટકાની વૃદ્ધિ થઇ બતી. 10 વર્ષ પહેલા 5 ટકા હિન્દુ વસ્તી સામે 2021માં વસ્તી 5.1 ટકા થઇ હતી.

વસ્તી વિષયક ફેરફારો માટે કોઈ ખાસ કારણ નથી. પણ ONS એ જણાવ્યું હતું કે વૃદ્ધાવસ્થા, પ્રજનનક્ષમતા, મૃત્યુદર, સ્થળાંતર અને વ્યક્તિઓએ ધર્મના પ્રશ્નનો જવાબ આપવાની પદ્ધતિઓમાં તફાવતથી આમ થયું છે.

32,000 લોકોએ કહ્યું કે તેઓ એગ્નોસ્ટીક (અજ્ઞેયવાદી) છે અને 14,000 લોકોએ પોતાને નાસ્તિક તો લગભગ 10,000 લોકોએ પોતાને માનવતાવાદી ગણાવ્યા છે.

LEAVE A REPLY

13 + four =