(istockphoto.com)

આશરે નવ મહિના બાદ ભારત સરકારે ચીનના સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ)ની દરખાસ્તોને કિસ્સાવાર ધોરણે મંજૂરી આપવાનું ચાલુ કર્યું છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં ચીનની એફડીઆઇની દરખાસ્તને મંજૂરી ચાલુ કરવામાં આવી છે, પરંતુ તે ઓછા રોકાણની છે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે મોટા રોકાણની દરખાસ્ત અંગે સ્થિતિના વિશ્લેષણ બાદ પછીના તબક્કે વિચારણા હાથ ધરાશે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે એક સંકલન સમિતિની રચના કરી છે. આ સમિતિતમાં ગૃહ, વિદેશ, કોમર્સ મંત્રાલયો અને નીતિ આયોગના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જોકે આ સમિતિ વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડ જેવી નથી. પડોશી દેશોની તમામ એફડીઆઇ દરખાસ્તની સંબંધિત મંત્રાલય વિચારણા કરશે. ટેલિકોમ અને ઇન્શ્યોરન્સ જેવા ક્ષેત્રોમાં આ સિસ્ટમ છે. સરકારે ગયા વર્ષના એપ્રિલમાં પડોશી દેશોની એફડીઆઇ દરખાસ્તને મંજૂરી આપવાના નિયમોમાં ફેરફાર કર્યો હતો. તે માટે સરકારની પૂર્વમંજૂરી ફરજિયાત બનાવી હતી. તેનાથી ચીનના રોકાણકારોને ફટકો પડ્યો હતો. નવા નિયમને કારણે એક શેરના ટ્રાન્સફર માટે પણ સરકારની મંજૂરી જરૂરી બની હતી. કોરોના મહામારી બાદ આ નિયમમાં ફેરફાર કરાયો હતો, પરંતુ લડાખ સરહદ પર ચીન સાથે તંગદિલીને કારણે કુલ રૂ.12000 કરોડના રોકાણની દરખાસ્તો અટવાઈ પડી હતી.