ચીને આવતા વર્ષે જમ્મુ-કાશ્મીર યોજાનારી જી-20ની મીટિંગ સામે વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે પોતાની નજીકના સાથી પાકિસ્તાનના વાંધામાં સહમતી દર્શાવીને જણાવ્યું હતું કે, સંબંધિત પક્ષોના મુદ્દાને રાજકીય રંગ આપવો જોઇએ નહીં.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને તાજેતરમાં મીડિયાને જણાવ્યું હતું કે, ‘અમે આ મીટિંગ અંગેની નોંધ લીધી છે. કાશ્મીર મુદ્દે ચીનની સ્થિતિ સ્પષ્ટ છે. આ ભારત અને પાકિસ્તાન વચ્ચેના વારસાનો મુદ્દો છે. તેનો યુનાઇટેડ નેશન્સના ઠરાવો અને દ્વિપક્ષીય સમજૂતી સાથે ઉકેલ લાવવો જોઇએ. બંને દેશોએ એક તરફી કાર્યવાહી ન કરવી જોઇએ, અને સ્થિતિને જટિલ બનાવવાથી બચવું જોઇએ. આપણે વિવાદોનો ઉકેલ ચર્ચા કરીને લાવવો જોઇએ અને સંયુક્ત રીતે શાંતિ અને સ્થિરતા જાળવી રાખવી જોઇએ.’ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, જી-20 આંતરરાષ્ટ્રીય સહયોગ માટે મુખ્ય મંચ છે. અમે તમામ મુખ્ય અર્થતંત્રને અનુરોધ કરીએ છીએ કે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુધારો લાવવાની દિશામાં ધ્યાન આપવું પડશે. ચીન જી-20 મીટિંગમાં ભાગ લેશે કે કેમ તે અંગેના પ્રશ્નના ઉત્તરમાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે તેમાં ઉપસ્થિત રહીશું કે નહીં તે અંગે રીતે વિચારીશું.