CNG, PNG prices fall in India amid record global energy prices
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
વિશ્વભરમાં એનર્જીના ભાવ રેકોર્ડ સ્તરે છે ત્યારે ભારતમાં કેન્દ્ર સરકારે નેચરલ ગેસની પ્રાઇસિંગ ફોર્મ્યુલામાં સુધારો કરીને ભાવ પર ટોચની મર્યાદા લાદ્યા પછી ગુજરાત સહિત દેશભરમાં સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થયો હોવાથી મોંઘવારીમાં લોકોને થોડી રાહત મળશે. શનિવારે અદાણી ટોટલ ગેસ, ટોરેન્ટ ગેસ, મહાનગર ગેસ અને ઇન્દ્રપ્રસ્થ ગેસ સહિતની કંપનીઓએ તેમની કાર્યક્ષેત્રોમાં સીએનજીના ભાવમાં કિલોગ્રામ દીઠ રૂ.8.25 અને પીએનજી અથવા પાઇપથી મળતા રાંધણ ગેસના ભાવમાં રૂ.5 સુધીના ઘટાડાની જાહેરાત કરી હતી.
શુક્રવારે મોદી કેબિનેટે ગુરુવારે નેચરલ ગેસના ભાવ નિર્ધારણ માટે નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી હતી તથા CNG અને પાઇપથી મળતા રાંધણ ગેસના બેફામ ભાવ પર અંકુશ મૂકવા ટોચ મર્યાદા લાદી હતી. તેનાથી સીએનજી અને પાઇપ્ડ રાંધણ ગેસ (PNG)ના ભાવમાં 10 ટકા સુધીનો ઘટાડો થશે અને મોંઘવારીમાં થોડી રાહત મળશે.
આ નિર્ણય બાદ દિલ્હીમાં CNGની કિંમત પ્રતિકિલોગ્રામ રૂ.79.56થી ઘટીને રૂ.73.59 થશે. આ ઉપરાંત PNGના ભાવ હજાર ક્યુબિક મીટર દીઠ રૂ.53.59થી ઘટીને રૂ.47.59 થશે. મુંબઈમાં સીએનજીના ભાવ કિલોગ્રામ દીઠ રૂ.87થી ઘટીને રૂ.79 થશે તથા પીએનજીના ભાવ રૂ.54થી ઘટીને રૂ.49 થશે.
કેબિનેટની બેઠક પછી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન  અનુરાગ ઠાકુરે પત્રકારોને જણાવ્યું હતું કે APM ગેસ તરીકે ઓળખાતા જૂના ઓઇલ ફિલ્ડમાંથી ઉત્પાદિત નેચરલ ગેસના ભાવ હવે ક્રૂડ ઓઇલના ભાવને આધારે નક્કી કરવામાં આવશે. અત્યાર સુધી નેચરલ ગેસના ભાવ અમેરિકા, કેનેડા અને રશિયા જેવા ગેસ સરપ્લસ દેશોના ભાવને આધારે નક્કી કરવામાં આવતા હતા.
પહેલી એપ્રિલથી APM ગેસના ભાવ ભારત આયાત કરે છે તેવા ક્રૂડ ઓઇલ (ઇન્ડિયન બાસ્કેટ)ના ભાવના 10 ટકાના આધારે નિર્ધારિત કરાશે. આવા ભાવ પર મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (mmBtu) દીઠ 6.5 ડોલરની ટોચની મર્યાદા રહેશે. હાલમાં ગેસના ભાવ પર mmBtu દીઠ 8.57 ડોલરની ટોચ મર્યાદા છે. સરકારે આ ઉપરાંત તળિયાના ભાવ પણ નિર્ધારિત કર્યા છે, જે mmBtu દીઠ 4 ડોલર રહેશે. નેચરલ ગેસના ભાવ હવે દર મહિને નિર્ધારિત કરવામાં આવશે. હાલમાં ભાવમાં દ્વિ-વાર્ષિક ધોરણે સુધારો કરવામાં આવે છે.
ઊર્જાના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઉછાળાને પગલે ઓગસ્ટ 2022 સુધીના એક વર્ષમાં પીએનજી અને સીએનજીના ભાવમાં આશરે 80 ટકાનો ઉછાળો આવ્યો હતો. ક્રૂડ ઓઇલના ઇન્ડિયન બાસ્કેટનો ભાવ હાલમાં બેરલદીઠ 85 ડોલર છે અને આ ભાવના 10 ટકાના 8.5 ડોલર થાય છે. જોકે સરકારે એપીએમ ગેસ પર ટોચની મર્યાદા લાદી હોવાથી ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાને mmBtu દીઠ 6.5 ડોલરનો ભાવ મળશે.

LEAVE A REPLY

fifteen + 18 =