Cold in Uttarakhand breaks 30-year record, Pahalgam temperature -7.4 degrees
. (ANI Photo)

હાલ અનેક રાજ્યોમાં રેકોર્ડ તોડતી ઠંડી પડી રહી છે. ઉત્તરાખંડમાં ઠંડીએ ૩૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બર્ફીલી હવાઓ વચ્ચે ઉત્તરાખંડના હરિદ્વારમાં લઘુતમ તાપમાન ૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પહેલા હરિદ્વારમાં ૧૯૯૨માં લઘુતમ તાપમાન ૦.૨ ડિગ્રી રહ્યું હતું, તેથી છેલ્લા ૩૦ વર્ષનો રેકોર્ડ તુટયો છે. જ્યારે ઉત્તરાખંડની જેમ જ અન્ય રાજ્યોમાં પણ સ્થિતિ કફોડી બની રહી છે.

જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે પહલગામમાં તાપમાન માઇનસ ૭.૪ ડિગ્રી રહ્યું હતું. જે એક દિવસ અગાઉ માઇનસ ૬.૭ ડિગ્રી હતું. ગુલમર્ગમાં પણ બરફની ચાદર પથરાઇ ગઇ છે, જ્યાં તાપમાન માઇનસ ૬ ડિગ્રી નોંધાયું હતું. તેવી જ રીતે કુપવાડામાં પણ માઇનસ ૫.૫ ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજધાની શ્રીનગરમાં માઇનસ ૫.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અન્ય રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનમાં ચુરુ અને સિકર થીજી ગયા હતા. ચુરુમાં તાપમાન ૦.૬ ડિગ્રી રહ્યું છે, તેવી જ રીતે સિકરના ફતેહપુરમાં તાપમાન ૦.૮ ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠુંઠવાયા હતા. પંજાબ અને હરિયાણાની સ્થિતિ પણ કફોડી છે. પંજાબનું ભટિંડા એક ડિગ્રી તાપમાન સાથે રાજ્યનો સૌથી ઠંડો પ્રદેશ બન્યો છે. અમૃતસરમાં પણ સૌથી નીચુ ૨.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. લુધિયાણા ૬.૪ ડિગ્રી, પટીયાલા, પઠાણકોટ, ફરિદકોટ વગેરે શહેરોમાં પણ ભારે ઠંડી નોંધાઇ હતી. તેવી જ રીતે હરિયાણામાં નારનૌલ ચાર ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડો પ્રદેશ રહ્યો. અંબાલામાં લઘુતમ તાપમાન ૬.૭ ડિગ્રી રહ્યું. જ્યારે હિસાર ૪.૩ ડિગ્રી સાથે ઠુંઠવાયું હતું.

દેશની રાજધાની દિલ્હીમાં હાલ ઠંડીથી સામાન્ય રાહત મળી છે. જોકે ભારે ધુમ્મસને કારણે ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી. ધુમ્મસ વધુ હોવાથી વિઝિબિલિટી ઘટી ગઇ હતી, જેને કારણે દિલ્હીની ૧૪ ટ્રેનો મોડી પડી હતી. દિલ્હીના સફદરજંગમાં લઘુતમ તાપમાન ૬.૩ ડિગ્રી નોંધાયું છે. જે બે દિવસ અગાઉ તેનાથી પણ ઓછુ પાંચ ડિગ્રી હતું, તેથી દિલ્હીમાં તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી કેટલાક દિવસ સુધી ઉત્તર ભારતમાં કોલ્ડવેવની શક્યતાઓ છે.

LEAVE A REPLY

seven + eight =