ભારત અને પાકિસ્તાન વચ્ચે તા. 28 ઓગસ્ટે રમાયેલી એશિયા કપની ક્રિકેટ મેચમાં ભારતની જીત બાદ ઉજવણી કરતા ભારતીયો સાથેની સ્થાનિક લોકોની અથડામણ બાદ ઇસ્ટ ઇંગ્લેન્ડના શહેર લેસ્ટરમાં બો કોમના લોકો વચ્ચેની સ્થિતી થાળે પડતી નથી ત્યારે યુકેના બીજા શહેરોમાં પણ શાંતિને ડહોળવાના પ્રયાસો થઇ રહ્યાં છે. શનિવારની રાત્રે થયેલી ધમાલ બાદ રવિવારે વહેલી સવારે, પોલીસે કહ્યું હતું કે પરિસ્થિતિ શાંત અને “નિયંત્રણ હેઠળ” છે અને મોટી સંખ્યામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ગયા વિકેન્ડ દરમિયાન લેસ્ટરના હિન્દુ મંદિરના ધ્વજને તોડી નાંખવાના, એક હિન્દુ યુવાનને માથામાં ઉજા પહોંચાડવાના અને એક મંદિરની ધજાને સળગાવવા જેવા હિંસાના દ્રશ્યો સોસ્યલ મિડીયા પર ફરતા થયા બાદ લેસ્ટર પોલીસે વધુ અવ્યવસ્થાને રોકવા માટે ચાલુ કામગીરીના ભાગ રૂપે 47 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશને ભારતીય સમુદાય સામેની હિંસાની નિંદા કરી કડક શબ્દોમાં નિવેદન જારી કર્યું હતું અને અસરગ્રસ્તોને રક્ષણ આપવા માટે હાકલ કરી હતી.

બીજી તરફ બર્મિંગગામમાં પીસ માર્ચનું આયોજન અને લંડનમાં હાઇ કમિશન સામે દેખાવો કરવાના આયોજનો અંગેના સોસ્યલ મિડીયાના સંદેશાઓને પગલે સમગ્ર દેશનું વાતાવરણ ડહોળવાના આયોજનો થઇ રહ્યા હોય તેમ જણાઇ રહ્યું છે.
લેસ્ટરમાં શનિવારની ઘટના – અથડામણ દરમિયાન હથિયાર રાખવા માટે દોષિત ઠરેલા લેસ્ટરના એમોસ નોરોન્હા નામના 20 વર્ષીય યુવાનને 10 મહિનાની જેલ કરવામાં આવી છે. ધરપકડ બાદ “જબરજસ્ત પુરાવા”ને કારણે ઝડપથી આરોપ મૂકી તેને લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયો હતો.

લેસ્ટર પોલીસના ટેમ્પરરી ચીફ કોન્સ્ટેબલ રોબ નિક્સને જણાવ્યું હતું કે, “આ સજા એ હકીકતને પ્રતિબિંબિત કરે છે કે આ એક ગંભીર ગુનો હતો અને તે કરનાર જેલમાં ગયો છે. અમે અમારા શહેરમાં આ અશાંતિ સામે ઊભા રહીશું. ત્યાં એક વ્યાપક પોલીસિંગ ઓપરેશન ચાલી રહ્યું છે, જે માહિતી અને ટોળાઓ એકત્ર થવા અંગેના અહેવાલો પર કાર્ય કરે છે. અમે સમુદાયને આશ્વાસન આપીએ છીએ કે ‘’આશ્વાસન રાખજો: જે લોકો આપણા સમુદાયોને નુકસાન પહોંચાડી રહ્યા છે તેમની ધરપકડ કરવા, તમને સુરક્ષિત રાખવા અને ન્યાય અપાવવા માટે કામ કરી રહ્યા છીએ.”

લેસ્ટરમાં હિંદુ અને મુસ્લિમ જૂથો વચ્ચેની અથડામણો બાદ ઇસ્ટ લેસ્ટરમાં વધુ અવ્યવસ્થાને રોકવા માટે પોલીસિંગ ઓપરેશનમાં પકડાયેલા કુલ 47 લોકોમાંથી કેટલાક લોકો શહેરની બહારના બર્મિંગહામ, સોલીહલ, લૂટન વગેરે શહેરોથી ખાસ લેસ્ટર આવ્યા હતા. ગયા વિકેન્ડમાં વધેલી અથડામણોને ટાળવા માટે પોલીસે માઉન્ટેડ પોલીસ યુનિટ સહિત સંખ્યાબંધ પોલીસ ફોર્સની મદદ લેવી પડી હતી.

સોશિયલ મીડિયા પર એવા વીડિયો ફરતા થયા હતા જેમાં મંદિરનો ધ્વજ ફાડી નાખવામાં આવ્યો હતો અને કાચની બોટલો ફેંકવામાં આવી હતી. એક અન્ય વિડીયોમાં હિન્દુ યુવાનને માથામાં ઇજા પહોંચાડી હોવાના અને પોલીસ દ્વારા તેને મદદ કરાતી હોવાના વિડીયો વાઇરલ થયો હતો. તો તે પહેલા નશો કરેલી હાલતમાં તોફાન કરતા યુવાનને ભારતીયોના જૂથ દ્વારા માર મરાતો હોવાનો અને કપડા ફાડી નાંખવામાં આવ્યો હોવોના વિડીયો પણ વાઇરલ થયો હતો. આ ઉપરાંત ‘નારા એ તકબીર – અલ્લાહો અકબર’ અને બીજી તરફ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાઓ બોલતા ટોળાના વિડીયો મેસેજ સોસ્યલ મિડીયા પર ફરતા જણાયા હતા. સોસ્યલ મિડીયા ફૂટેજમાં દર્શાવાયું હતું કે પોલીસ ટોળાને રોકવાનો પ્રયાસ કરતી હતી ત્યારે તેમના પર બોટલો સહિતની વસ્તુઓ ફેંકવામાં આવી હતી.

લેસ્ટર ઇસ્ટના સંસદ સભ્ય ક્લાઉડિયા વેબે લેસ્ટરને યુકેના સૌથી વધુ વૈવિધ્યસભર શહેરો પૈકીનું એક ગણાવી વિનંતી કરી હતી કે આપણી એકતા એજ આપણી તાકાત છે. શનિવારે થયેલી હિંસા અંગે સાક્ષી આપનાર એક મહિલાએ કહ્યું હતું કે ‘’ત્યાં એવા લોકો હતા જેઓ બાલાક્લાવસ (બુકાની) કે કોવિડ માસ્ક પહેરેલા હતા અને તેમના હૂડ્સ ખેંચેલા હતા. પોલીસ રસ્તાને રોકતી હતી અને પોલીસ અધિકારીઓ ખભાથી ખભા મિલાવી કામ કરતા હતા.’’ લેસ્ટરના ગ્રીન લેન રોડની એક રહેવાસી મહિલાએ કહ્યું હતું કે શનિવારે સાંજે તેણીએ જે જોયું તે “ખૂબ જ ડરામણું હતું. સમગ્ર પરિસ્થિતિ ખરેખર નિયંત્રણની બહાર લાગતી હતી. પોલીસ ત્યાં હતી પરંતુ એવું લાગતું ન હતું કે તેઓ આ બાબતને સારી રીતે હેન્ડલ કરે છે. લોકો હજી પણ ખૂબ જ ભયભીત, અચોક્કસ અને અનિશ્ચિતતા અનુભવતા હતા.”

LEAVE A REPLY

2 × 2 =