પ્રતિક તસવીર (istockphoto.com)

યુનિવર્સિટી કોલેજ લંડનના પ્રોફેસર ડેવિડ ટેલરના નવા રીપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે હજારો કમ્યુનિટી ફાર્મસી પર તાળા વાગવાનું જોખમ ઊભી થયું છે. રીપોર્ટમાં આ ક્ષેત્રની નાણાકીય સ્થિતિને એક ઇમર્જન્સી ગણાવાઈ છે.

જોગાનુજોગ આ રીપોર્ટ ઓપિનિયન પોલ ડેટા જારી થવાની સાથે આવ્યો છે. ઓપિનિયન પોલ ડેટામાં દર્શાવ્યું છે કે ફાર્મસી ઠપ થવાથી સ્થિતિ બિનજરૂરી જીપી એપોઇન્ટમેન્ટ તરફ દોરી જશે તથા લાખ્ખો લોકોના જીવનની ગુણવત્તા કથળશે.  

નેશનલ ફાર્મસી એસોસિયેશન વતી હાથ ધરાયેલા પ્રોફેસર ટેલરના રીપાર્ટમાં બહાર આવ્યું છે કે વધતા જતાં ફુગાવાની અસરથી સ્ટેટિક ફંડિંગની સમસ્યા વધુ ઘેરી બનશે અને હજારો ફાર્મસી બંધ થવાની શક્યતામાં વધારો થશે. તેથી ઇંગ્લેન્ડમાં ફાર્મસીના નેટવર્કના રક્ષણ માટે પગલાં લેવાની જરૂર છે.

પ્રોફેસર ટેલર અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સના સહ-લેખક ડો. પ્રનોસ કાનાવોસે ચેતવણી આપી છે કે “ફુગાવાની સંયુક્ત અસરનો અર્થ એવો કરી શકાય છે કે  કે હજારો ફાર્મસીઓએ ટૂંક સમયમાં તેમના બિઝનેસ બંધ કરવા પડશે. ફાર્મસીની સંખ્યામાં એકાએક ઘટાડાથી NHSનો મેડિસિન સપ્લાય ખોરવાઈ જશે અને સમુદાયોમાં એક્સ્ટેન્ડેડ ક્લિનિક સર્વિસિસના ભાવિને નુકસાન થશે.”

રીપોર્ટમાં આગાહી કરાઈ છે કે નેટવર્ક વાઇઝ પતનથી આરોગ્યની અસમાનતામાં વધારો પણ થશે તથા કમ્યુનિટી ફાર્માની એન્હાન્સ્ડ જોગવાઈ ધીમી પડશે.

રીપોર્ટમાં જણાવ્યા મુજબ ઇમર્જન્સીની સ્થિતિ સ્વીકારવામાં આવે અને 2023માં કોન્ટ્રાક્ટની રકમમાં 250 મિલિયન પાઉન્ડનો ચોખ્ખો વધારો કરવામાં આવે તો પણ તે 2023માં ઇંગ્લેન્ડના કુલ આરોગ્ય ખર્ચના 1.8 ટકાથી વધુ થતો નથી.

ફુગાવાની સાથે-સાથે કપાતને પણ ધ્યાનમાં લેવામાં આવે તો ઇંગ્લેન્ડમાં NHS સાથે ફાર્મસી કોન્ટ્રાક્ટના મૂલ્યમાં 2015 પછીથી 25 ટકાનો ઘટાડો થાય છે. હાલમાં તે 2,592 મિલિયન પાઉન્ડ  છે. ઇંગ્લેન્ડમાં કમ્યુનિટી ફાર્માસીને હવે 1948 પછીથી કોઇપણ સમયગાળાના સંદર્ભમાં કુલ આરોગ્ય ખર્ચના નીચી ટકાવારીમાં હિસ્સો મળે છે.

નેશનલ ફાર્મસી એસોસિયેશનના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક લિઓનેટીએ જણાવ્યું હતું કે ફુગાવાના દબાણથી ફાર્મસી સર્વિસિસને NHS દ્વારા આપવામાં આવતા મર્યાદિત ફંડ્સમાં ધોવાણ થઈ રહ્યું છે. અમારા સભ્યો કોસ્ટ-ઓફ ડુઇંગ બિઝનેસ ક્રાઇસિસનો સામનો કરી રહ્યાં છે. આ કટોકટી સર્વિસમાં સુધારાના માર્ગમાં અવરોધરૂપ છે તથા આખરે મોટાપાયે ફાર્મસી બંધ થવાનું જોખમ ઊભું કરે છે. આ ઇમર્જન્સીના અભ્યાસ માટે બે જાણીતા નિષ્ણાતોની મદદ લીધા બાદ હવે અમારો સ્વતંત્ર રીતે સંકલિત ડેટા છે. તેનાથી અમને આશા છે કે મહત્ત્વની આરોગ્ય સેવાઓ ટકાવી રાખતી ફાર્મસી માટે વાસ્તવિક ફાઇનાન્સિયલ સેટલમેન્ટ થશે.

પ્રોફેસર ટેલરે જણાવ્યું હતું કે “દાયકાઓની કપાત તથા ખર્ચમાં વધારા માટે કોઇ ભથ્થા વગર ફ્લેટ રેટ ફીને આધારે ફંડિંગ પછી ઇંગ્લેન્ડમાં ગંભીર કટોકટી ઊભી થઈ છે. ઝડપથી પગલાં લેવામાં નહીં આવે તો હજારો ફાર્મસીઓ બંધ થશે. તે ઇંગ્લેન્ડમાં NHS કમ્યુનિટી ફાર્મસીના અસ્તિત્વ સામે જોખમ ઉભું કરે છે.”

દરમિયાન NPAએ હાથ ધરેલા ઓપિનિયન પોલમાં જણાયું છે કે સ્થાનિક ફાર્મસી બંધ થઈ જશે તો આશરે 60 ટકા લોકોએ તેમના GPની વધુ વખત મુલાકાત લેવી પડશે. 74 ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે ફાર્મસી ક્લોઝરથી તેમના જીવનની ગુણવત્તામાં ઘટાડો થશે.

LEAVE A REPLY

17 + 5 =