ગુજરાતમાં પાક વીમાનું કરોડો રૂપિયાનું પ્રીમિયમ ફરજિયાત કરીને કૃષિ સબસીડીના નામે સરકારી તિજોરીમાંથી મોટી રકમ ખાનગી વિમા કંપનીઓને રળાવી આપવા કૃષિ ફસલ વીમા યોજનાના નામે ભાજપ સરકારે ષડયંત્ર રચીને કરોડો રૂપિયા ખાનગી વિમા કંપનીઓને લુંટાવ્યા તેમજ પાક વિમાનું પ્રિમિયમ ફરજીયાત કાપીને ખાનગી કંપનીઓને ફાયદો કરાવ્યાનો આક્ષેપ વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, DAP ખાતરના રૂ. ૧૨૦૦થી વધારીને રૂ. ૧૫૦૦ NPK ખાતરના રૂ. ૧૧૭૫થી વધારીને રૂ. ૧૪૦૦ અને ASP ખાતરના રૂ. ૯૭૫ થી વધારીને રૂ. ૧૧૫૦ આગામી તા. ૧-૩-૨૦૨૧થી થવાના છે. ભાજપ સરકારની ખેડૂતો વિરોધી માનસિકતા છતી કરે છે. રાજયમાં ખેડૂતોને પૂરતો પાક વીમો, ખેડૂતોના ઉભા પાકને રોઝ-ભુંડ જેવા જંગલી જાનવરો નુકશાન ન પહોંચાડે તે માટે તારની વાડ બનાવવા પૂરતી સહાય, ખેડૂતો આધુનિક રીતે ખેતી કરી શકે તે માટે ટ્રેકટર સબસીડી સમયસર ચૂકવવામાં, ખેતી માટે વિજ કનેકશનો સમયસર આપવામાં, રાજ્યમાં ખેડુતોને ગુણવત્તાયુક્ત બિયારણ અને દવા સસ્તા ભાવે પુરી પાડવામાં, સેટેલાઈટ દ્વારા થયેલ જમીન રીસર્વેમાં મોટા પ્રમાણમાં છબરડાઓ દૂર કરવામાં, અભણ ખેડૂત ઉપર પાણી પત્રકની નોંધણીનો બોજ હટાવવામાં અને ખેડુતોને સસ્તા વગર વ્યાજે લોન આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે.
કૃષિ પ્રધાન દ્વારા રાસાયણિક ખાતરના ભાવ વધારા બાદ કરવામાં આવેલ નિવેદન “ખેડૂતોને ભ્રમિત કરવા અમારી રાજનીતિ નથી” તે અંગે આકરી પ્રતિક્રિયા આપતાં વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણીએ કૃષિ મંત્રીશ્રીને સવાલ કરતાં જણાવ્યું હતું કે, પેટ્રોલ, ડીઝલ, ગેસના આકરા ભાવ વધારો ખેડૂતો સહન કરી રહ્યા છે ત્યારે કૃષિ મંત્રીશ્રી કેમ મૌન રહે છે ? રાજ્યના ખેડૂતો નકલી, દવા બિયારણનો ભોગ બને છે અને પાક નિષ્ફળ જાય છે ત્યારે કૃષિ મંત્રીશ્રી કેમ મૌન રહે છે ? રાજ્યના ખેડૂતો આર્થિક દેવાના બોજ નીચે દબાઈ રહ્યા છે અને આત્મહત્યા જેવા આકરા પગલાં ભરે છે ત્યારે કૃષિ મંત્રીશ્રી કેમ મૌન રહે છે ? ખેડૂતોને નર્મદા અને અન્ય યોજનાઓમાંથી સિંચાઈનું પાણી મળતું નથી ત્યારે કૃષિ મંત્રીશ્રી કેમ મૌન રહે છે ? ખેડૂતોના પાક રોઝ-ભુંડ અને જંગલી જાનવરોના રંજાડથી નાશ પામે છે ત્યારે કૃષિ મંત્રીશ્રી કેમ મૌન રહે છે ? ખેડૂતોને દિવસે જ વીજળી મળે તે માટે કૃષિ મંત્રીશ્રી કેમ મૌન રહે છે ?
રાજ્યમાં દિનપ્રતિદિન ખેતીની જમીન અને ખેડૂતોની સંખ્યાવમાં લાખોનો ઘટાડો અને ખેતમજૂરોની સંખ્યા માં ઉત્તરોત્તર વધારો થાય છે. રાજયમાં ૪૯.૬% રોજગારી આપતા કૃષિ ક્ષેત્રના ખેડૂતો સાથે સરકારનું વર્તન આભડછેટ જેવું છે. કૃષિ ઉત્પા દનો ઉપર ૫% જીએસટી કરવેરો નાંખવામાં આવ્યો છે. પુરતી બજાર વ્યંવસ્થાે ઉપલબ્ધ નથી અને પોષણક્ષમ ભાવો મળતા નથી તેવામાં માર્કેટીંગ યાર્ડોનું પણ ખાનગીકરણ ચાલુ કર્યું છે. રોઝ-ભુંડના રંજાડના કારણે વાવેતરને મોટાપાયે નુકશાન થાય છે. નર્મદાનું નીર સિંચાઈ માટે ખેડૂતોના ખેતર સુધી પહોંચાતું નથી. રાસાયિણક ખાતર, જંતુનાશક દવા, કૃષિ ઓજારો અને બિયારણ ઉપર જીએસટીનો આકરો બોજ નાંખવામાં આવ્યો છે. મોંઘી અને અનિયમીત અને અધુરી વિજળીનો ત્રાસ ખેડૂતોને રાત ઉજાગરા કરવા મજબૂર કરે છે. કૃષિ બજેટ અને સબસીડીમાં સતત કાપ કરે છે. ૨૦૧૭-૧૮ની સામે ૨૦૧૮-૧૯માં રૂ. ૧૧૪૪.૩૭ કરોડ રૂપિયાની ઘટ સાથે ૧૨.૬૭%નો કાપ મૂકવામાં આવેલ.
અત્યાર સુધી ખેડૂતોને યુરીયા, ડાયએમોનીયા અને સલ્ફર જેવા રાસાયણિક ખાતરો સહકારી સંસ્ર્થાઓ અને એગ્રો સેન્ટરમાંથી સબસીડી બાદ કરીને ખેડૂતોની જરૂરીયાત પ્રમાણે સીધું જ મળતું હતું. ભાજપ સરકારે રાસાયણિક ખાતરોમાં સબસીડી બાદ કરીને રાસાયિણક ખાતર સીધા જ ખેડૂતોને આપવાની પ્રથા બંધ કરીને બજાર ભાવે રાસાયણિક ખાતર આપે છે. આગામી સમયમાં ખેડૂતોને વિઘા દીઠ ચોક્કીસ કિલો ખાતર માટે સબસીડી ખેડૂતોને પરત આપવાની વાત કરી છે, પરંતુ ખેડૂતો તો વિઘા દીઠ ૨૦ કિલો આસપાસ ખાતર વાપરે છે તો તેટલી સબસીડી પણ ખેડૂતોને નહીં મળે તેના કારણે ખેડૂતોને ખાતરના ખર્ચમાં લગભગ બમણો ખર્ચ કરવો પડશે. જેનાથી ખેડૂતોને મરણતોલ ફટકો પડશે તેમજ ભાવવધારાથી ખેડૂતોને મોટો આર્થિક બોજ સહન કરવાનો વારો આવશે જેથી ભાવવધારો તાત્કાલિક રદ કરવો જોઈએ.