કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ શનિવાર, 23 ઓક્ટોબર 2021ના રોજ યુપીમાં પ્રતીજ્ઞા યાત્રાને લીલી ઝંડી આપી હતી. (PTI Photo)

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે શુક્રવાર રાત્રે પોતાના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસે પોતાના અગ્રણી એડવોકેટ અમીબેન યાજ્ઞિકના નામની જાહેરાત કરી છે. આ બેઠક પર ભૂપેન્દ્ર પટેલ પટેલ અગાઉની ચૂંટણીમાં રાજ્યમાં સૌથી વધુ સરસાઇ સાથે જીત્યા હતા. 

કોંગ્રેસની પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 11 આદિવાસી, 10 OBC અને પાંચ SC ઉમેદવારો છે. શાસક ભાજપે હજુ સુધી તેના ઉમેદવારો જાહેર કર્યા નથી, જ્યારે નવી પ્રવેશેલી આમ આદમી પાર્ટીએ 118 બેઠકો માટે તેના ઉમેદવારો જાહેર કર્યા છે. 

કોંગ્રેસે જે 43 બેઠકો માટે તેના ઉમેદવારો જાહેર કર્યા છે તેમાંથી પક્ષ હાલમાં દાહોદ જિલ્લામાં માત્ર એક ઝાલોદ (ST)ની બેઠક ધરાવે છે. સીટીંગ ધારાસભ્ય ભાવેશ કટારાને બદલે પાર્ટીએ ઝાલોદથી મિતેશ ગરાસિયાની પસંદગી કરી છે. ગરાસિયા 2012-17 સુધી કોંગ્રેસના ધારાસભ્ય હતા. 

ઉમેદવારોની પ્રથમ યાદીમાં યાજ્ઞિક સહિત સાત મહિલાઓ છે. કેટલાક પૂર્વ ધારાસભ્યો પણ આ વખતે ટિકિટ મેળવવામાં સફળ રહ્યા છે. 

વડોદરા કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતના પત્ની અને ભાજપ શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા અમી રાવતની શહેરની સયાજીગંજ બેઠક માટે પસંદગી કરવામાં આવી છે. 

પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભાવનગરની મહુવા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયાની આ જ બેઠક માટે પસંદગી કરવામાં આવી છે. તેમણે અપક્ષ તરીકે 2017ની ચૂંટણી લડી હતી પરંતુ તેઓ ભાજપના રાઘવ મકવાણા સામે લગભગ 5,000 મતોથી હારી ગયા હતા. 

પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલને સંખેડા (ST) બેઠક માટે ટિકિટ આપવામાં આવી છે, જે તેઓ 2017માં ભાજપ સામે હારી ગયા હતા. 

જાહેર કરાયેલી યાદી મુજબ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને પોરબંદર, હિમાંશુ પટેલ ગાંધીનગર દક્ષિણ અને હિતેશભાઈ વોરાને રાજકોટ દક્ષિણમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 

કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં શુક્રવારે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક બાદ 43 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી ઓનલાઈન મીટિંગમાં જોડાયા હતા. આ બેઠકમાં સીઈસી સભ્યો અને પાર્ટીના મહાસચિવ મુકુલ વાસનિક અને કે સી વેણુગોપાલ ઉપરાંત મોહસિના કિડવાઈ, ગિરિજા વ્યાસ અને અંબિકા સોની બેઠકમાં હાજર હતા. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના ગુજરાતના પ્રભારી રઘુ શર્મા અને પાર્ટીના રાજ્ય એકમના વડા જગદીશ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. 

પ્રથમ યાદી 

બેઠક અને ઉમેદવાર

ડીસા: સંજય રબારી 

અંજાર: રમેશ ડાંગર 

ગાંધીધામ: ભરત સોલંકી 

ખેરાલુ: મુકેશ દેસાઈ 

કડી: પ્રવીણ પરમાર 

હિંમતનગર: કમલેશ પટેલ 

ઈડર: રમેશ સોલંકી 

ગાંધીનગર દક્ષિણ: હિમાંશુ પટેલ 

ઘાટલોડિયા: અમીબહેન યાજ્ઞિક 

એલિસબ્રિજ: ભિખુ દવે 

અમરાઈવાડી: ધર્મેન્દ્ર પટેલ 

દસક્રોઈ: ઉમેદી બુધાજી ઝાલા 

રાજકોટ દક્ષિણ: હિતેશ વોરા 

રાજકોટ ગ્રામ્ય: સુરેશ બથવાર 

જસદણ: ભોળાભાઈ ગોહિલ 

જામનગર ઉત્તર: બિપેન્દ્રસિંહ જાડેજા 

પોરબંદર: અર્જુન મોઢવાડિયા 

કુતિયાણા: નાથા ઓડેદરા 

માણાવદર: અરવિંદ લાડાણી 

મહુવા: કનુ કળસરીયા 

નડિયાદ: ધ્રુવલ પટેલ 

મોરવા હડફ: સ્નેહલતા ખાંટ 

ફતેપુરા: રઘુ મારચ 

ઝાલોદ: મિતેશ ગરાસિયા 

લીમખેડા: રમેશ ગુંડીયા 

સંખેડા: ધીરુભાઈ ભીલ 

સયાજીગંજ: અમીબેન રાવત 

આકોટા: ઋત્વિક જોશી 

રાવપુરા: સંજય પટેલ 

માંજલપુર: ડૉ.તશ્વીનસિંઘ 

ઓલપાડ: દર્શન નાયક 

કામરેજ: નિલેશ કુંભાણી 

વરાછા: પ્રફૂલ તોગડિયા 

કતારગામ: કલ્પેશ વરીયા 

સુરત પશ્ચિમ: સંજય પટવા 

બારડોલી: પન્નાબેન પટેલ 

મહુવા (સુરત): હેમાંગીની ગરાસિયા 

ડાંગ: મુકેશ પટેલ 

જલાલપોર: રણજીત પંચાલ 

ગણદેવી: શંકર પટેલ 

પારડી: જયશ્રી પટેલ 

કપરાડા: વસંત પટેલ 

ઉમરગામ: નરેશ વળવી 

LEAVE A REPLY

fourteen − 12 =