કોંગ્રેસની ભારત જોડો યાત્રા રવિવારે (23 ઓક્ટોબર)એ કર્ણાટકમાંથી તેલંગણામાં પ્રવેશી હતી. કર્ણાટક તબક્કાના સમાપન વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ કર્ણાટકને નફરત અને કુશાસનના પ્રયોગોની ભાજપની પ્રયોગશાળા બનવા દેશે નહીં. તેમની પાર્ટી પ્રેમ, શાંતિ અને સંવાદિતા મારફત કર્ણાટકની ખરી ક્ષમતા બહાર લાવશે.

રાહુલ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આ શાંતિના બગીચાને ભાજપના નફરત અને કુશાસનના પ્રયોગો માટેની પ્રયોગશાળા બનવા દેશે નહીં. સમગ્ર પ્રવાસ દરમિયાન લોકોના સમર્થન માટે કર્ણાટકના લોકોનો આભાર માનતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકોની ક્ષમતાને કુઠિત બનાવવામાં આવી છે. વધતા ખર્ચ, અનિશ્ચિત ઉપજ અને વધઘટ થતી કિંમતોને કારણે ખેડૂતો તેમના પરિવારનું ભરણપોષણ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. યુવાનો વારંવાર પ્રયત્નો કરવા છતાં તેમની આકાંક્ષાઓ પૂરી કરે તેવી તકો શોધી શકતા નથી. નાના ઉદ્યોગસાહસિકો અપૂરતા અથવા કોઈ સપોર્ટ વગર તેમના બિઝનેસ બંધ કરી રહ્યાં છે અને બજારમાં મોટા માથાઓનું પ્રભુત્વ છે.

રાહુલ આક્ષેપ કર્યો હતો કે મનરેગા કામદારો, મહિલાઓ, વણકરો અને અન્ય ઘણા લોકોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. સમાજના વંચિત વર્ગો અને લઘુમતીઓ વધતી જતી નફરત અને હિંસાનો સામનો કરે છે. રાજ્યની ભાષાઓ, વિવિધ સંસ્કૃતિઓ અને ઈતિહાસને વિકૃત અને ખતમ કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

12 + thirteen =