ભારતમાં જાન્યુઆરી 2020થી જૂન 2021 વચ્ચે કોરોનાથી આશરે 50 લાખ (4.9 મિલિયન)ના મોત થયા હોવાની આશંકા છે, જે ભારતની આઝાદી અને ભારત-પાકિસ્તાન ભાગલા પછીની સૌથી મોટી માનવીય ટ્રેજડી છે, એમ અમેરિકાના એક અભ્યાસમાં જણાવાયું છે.

કોરોનાના સંક્રમણના મામલામાં ભારત દુનિયામાં બીજા સ્થાને અને મોતના કેસમાં ત્રીજા સ્થાને છે. સરકારના આંકડા પ્રમાણે ભારતમાં 4.18 લાખ લોકોના કોરોનાથી મોત થયા છે પણ અમેરિકામાં થયેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં કોરોનાના કારણે 34 થી 39 લાખ લોકોના મોત થયા છે.આ આંકડો ભારત સરકારના સત્તાવાર આંકડા કરતા 10 ગણો વધારે છે.

રિપોર્ટ તૈયાર કરવામાં ચાર વર્ષ સુધી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર રહી ચુકેલા અરવિંદ સુબ્રમણ્યમનો પણ સમાવેશ થાય છે. વોશિંગ્ટનની સંસ્થા સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા હાથ ધરાયેલા સ્ટડીમાં સરકારી આંકડા, આંતરરાષ્ટ્રીય અનુમાન, સેરોલોજિકલ રિપોર્ટ અને ઘરોમાં થયેલા સર્વેને આધાર બનાવીને તારણ કાઢવામાં આવ્યુ છે.

રિપોર્ટમાં કહેવાયુ છે કે, જાન્યુઆરી 2020થી જુન 2021 વચ્ચે ભારતમાં કુલ 50 લાખ લોકોના કોરોનાથી મોત થયા છે. ભારતના વિભાજન બાદ આ સૌથી મોટી માનવ ત્રાસદી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પહેલી લહેર અનુમાન કરતા વધારે ઘાતક હતી અને બીજી લહેરમાં હજારો લોકો ઓક્સિજન, બેડ અને વેક્સીનના અભાવે મોતને ભેટયા હતા.