વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના કુલ 193 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કુલ 9 લોકોના મોત થયા છે. આ ઉપરાંત વડોદરામાં 400 જેટલી રેપિડ ટેસ્ટ કીટ આવી ગઇ છે. જેથી આજથી રેપિડ કીટથી કોરોના વાઈરસના ટેસ્ટ કરવામાં આવશે, રેપિડ કીટમાં 30 મિનિટમાં જ ટેસ્ટનું પરિણામ આવી જશે. જેથી ઝડપી નિદાન કરવામાં સફળતા મળશે. વડોદરા શહેરના 34 અર્બન હેલ્થ સેન્ટરો અને 6 ડેઝિગ્નેટેડ સેન્ટરો ઉપર આ ટેસ્ટ કરવામાં આવશે.

વડોદરા શહેરમાં કોરોનાએ 3 પોઝિટિવ કેસો સાથે રાજમહેલ રોડ પર પણ પોતાનું રાજ શરૂ કરી દીધું હતું. કબીર ફળિયામાં આવેલા તમામ 3 પોઝિટિવ દર્દીઓ સિનિયર સિટિઝન્સ છે, જેમાં 2 મહિલાનો સમાવેશ થાય છે. બીજી તરફ ગાજરાવાડીની મહિલા પોઝિટિવ જાહેર થઇ છે. આ મહિલા કેળા અને તડબૂચ વેચતી હતી.

જેના પગલે આ મહિલા પાસેથી ફળો ખરીદનારાઓના પેટમાં ફાળ પડી હતી અને પોતાને કોરોના ટેસ્ટ કરાવવા માટેની આરોગ્યવિભાગમાં પૂછપરછ કરી હતી. જ્યારે સૌથી વધુ સંક્રમિત અને રેડ ઝોન નાગરવાડામાં વધુ 8 કેસો ઉમેરાતા આ વિસ્તારના સંક્રમિતોની સંખ્યા 140 પર પહોંચી ગઇ હતી.

સમા વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ જાહેર થતાં અને પાલિકા દ્વારા ન્યૂ સમા રોડ વિસ્તારને રેડઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફતેપુરા અને છાણીનો પણ રેડઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ન્યૂ સમારોડ વિસ્તારના રાંદલધામ-ગંગાસાગર સોસાયટી, છાણીના સેફ્રોન સીતારામ કોમ્પ્લેક્સનો રસ્તો રેડ ઝોનમાં આવરી લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત ફતેપુરાના રાણાવાસને રેડઝોન તરીકે જાહેર કર્યો છે. આ રેડઝોનમાં લગભગ 3000 જેટલી વસ્તીનો સમાવેશ થશે. બીજી તરફ મંગળવારથી શહેરમાં વિવિધ દવાખાનાઓ અને ખાનગી હોસ્પિટલોને ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે. જોકે આ અંગેની માર્ગદર્શિકાનું પાલન તેમને કરવાનું રહેશે.