કોન્ફેડરેશન ઑફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI)ના પ્રમુખ અને બ્રિટિશ-ભારતીય ઉદ્યોગપતિ લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે સરકારે જીવનનિર્વાહના ખર્ચની કટોકટી પર કાર્ય કરવું જોઈએ અને કંપનીઓને અનિશ્ચિત સમયમાં રોકાણ કરવામાં મદદ કરવી જોઈએ.

સેન્ટ્રલ લંડનમાં ધ બ્રુઅરી ખાતે ઉદ્યોગજગતના વરિષ્ઠ નેતાઓ અને રાજકારણીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ‘’માર્ચમાં નકારાત્મક વૃદ્ધિ અને બાકીના 2022 માટે નબળા અંદાજની આગાહીને ધ્યાનમાં રાખીને, સરકારે મુશ્કેલ સમયમાં બિઝનેસીસને ફાઇનાન્સ મેળવવામાં મદદ કરવા માટે રિકવરી લોન સ્કીમનો વિસ્તાર કરવો જોઈએ.’’

લોઇડ્સ બેન્કિંગ ગ્રૂપ દ્વારા પ્રાયોજિત ઇવેન્ટમાં, તેમણે સરકારને આત્મવિશ્વાસ અને રોકાણ વધારવા માટે ઑટમ બજેટ પહેલા કાર્ય કરવા વિનંતી કરતા યાદ અપાવ્યું હતું કે ‘’ઊર્જાના ભાવ એક વર્ષમાં ચાર વખત વધ્યા છે અને સામગ્રી અને શિપિંગના ખર્ચમાં 20 ટકાનો વધારો થયો છે. મને ચિંતા છે કે આ સમયે 70 વર્ષમાં સૌથી વધુ ટેક્સ બોજ આપણી વસૂલાત અને વૃદ્ધિને અટકાવશે. આપણે આત્મવિશ્વાસ વધારવા અને રોકાણને વહેતું રાખવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે.’’