ભારતમાં કોરોનાવાયરસના ભયાનક રોગચાળાને પગલે ઓક્સીજન, બેડ અને વેન્ટીલેટરની ભારે અછત સર્જાઇ રહી છે ત્યારે યુકેનો ભારતીય ડાયસ્પોરા હંમેશની જેમ મદદ કરવામાં અગ્રેસર રહ્યો છે. યુકેમાં રહેતા ભારતીયોએ મિત્રો અને પરિચિતોના માધ્યમથી અત્યાર સુધીમાં £370,000  જેટલી રકમ એકત્ર કરી લીધી છે. BAPS, બ્રિટિશ એશિયન ટ્રસ્ટ, સેવા યુકે, ફેસબુક ગૃપ્સ અને અન્ય સંસ્થાઓ પણ પોતાની રીતે માભોમને મદદ કરવા અપીલ કરી છે.

યુકેમાં ભારતીય હાઈ કમિશને પણ રિફિલેબલ ઓક્સિજન સિલિન્ડર, કોન્સેન્ટર્સ, ડ્રગ રીમડેસિવીર અને તબીબી પુરવઠો ભારત પહોંચાડવા સોશિયલ મીડિયા દ્વારા એક જાહેર અપીલ કરી હતી. નવી દિલ્હી અને અન્ય પ્રદેશોની હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાયની અછતના સમાચારો વચ્ચે અનેક ડાયસ્પોરા સંગઠનો પણ સહાય અને ટેકો પૂરા પાડવાના પ્રયત્નો કરી રહ્યા છે.

ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ ભારત પહોંચાડવા માટે અમિત કચરૂ, સત્યમ સિંઘ, ગૌરવ માહના અને રશ્મિ રાઝદાને ‘ગો ફંડ મી’ દ્વારા અપીલ કરી હતી. તેમણે 1 લાખ પાઉન્ડનું લક્ષ્યાંક રાખ્યું હતું પરંતુ લોકોનો સહકાર જોઇને તેને 2 લાખ અને મંગળવારે 4 લાખ કર્યું હતું. પરંતુ દાતાઓએ તેનાથી પણ દાન વધારીને મંગળવારે બપોરના 1.20 સુધીમાં આ રકમ £316,424 સુધી પહોંચાડી દીધી હતી. આ સખાવતના કારણે 600 જેટલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ ભારત પહોંચાડી શકાશે. આપ પણ જો દાન કરવા માંગતા હો તો તેની લિંક આ મુજબ છે. https://gofund.me/9254b5d4.

ફેસબુક ગૃપ ‘ઇન્ડિયન ઇન લંડન’ દ્વારા યુકેમાં આવેલી કુરિયર કંપનીઓ અને યુકેમાં આવેલી ઑક્સિજન કોન્સેન્ટ્રેટર્સ વેચતી કંપનીઓના સંપર્ક નંબર શેર કર્યા હતા. આ ગૃપ પર આ કોન્સેન્ટ્રેટર્સ અને અન્ય સામાન કઇ રીતે એક જ સમયે એક જ કન્ટેનરમાં ભારત મોકલવા તેની ચર્ચા કરાઇ હતી.  આ ઉપરાંત વિવિધ સખાવતી સંસ્થાઓએ વીકએન્ડમાં પણ ઇમરજન્સી અપીલ શરૂ કરી હતી.

બ્રિટીશ એશિયન ટ્રસ્ટે વર્જિન મની અને જસ્ટગિવીંગ વેબસાઇટ પર ‘ઈન્ડિયા કોવિડ-19 ઇમરજન્સી અપીલ’ શરૂ કરી હતી. વર્જિન મની ગીવીંગ વેબસાઇટ દ્વારા મંગળવારે બપોર સુધીમાં 64 ટેકેદારોની મદદથી £7,279 એકત્ર કર્યા હતા. તેમનું લક્ષ્ય £1,00,000 છે. બ્રિટીશ એશિયન ટ્રસ્ટે જસ્ટ ગીવીંગ વેબાસાઇટ દ્વારા ઓક્સીજન ફોર ઇન્ડિયા ઇમરજન્સી અપીલ પણ કરી હતી જે અંતર્ગત 338 ટેકેદારોની મદદથી £46,943 એકત્ર કરાઇ ચૂક્યા છે.

બ્રિટીશ એશિયન ટ્રસ્ટના ટ્રસ્ટી લોર્ડ ગઢીયાએ જણાવ્યું હતું કે “યુકેના ભારતીય ડાયસ્પોરા પાસેથી તેઓ વર્તમાન પરિસ્થિતિમાં કેવી રીતે મદદ કરી શકે છે તે વિશે અમને પુછપરછ કરવામાં આવી રહી છે. બ્રિટીશ એશિયન ટ્રસ્ટે જન સહસ અને ગુંજ જેવા ભાગીદારોને સહાય કરવા ભારતના પ્રથમ લોકડાઉન દરમિયાન છેલ્લી ઝુંબેશમાં ‘કોવિડ-19 ઇમરજન્સી આપીલ’માં £1 મિલિયન એકત્ર કર્યા હતા. આ વખતે પણ અમે દબાણની આવશ્યકતાઓનું મૂલ્યાંકન કરી તે પ્રમાણે કાર્ય કરીશું.”આપ પણ  લિંકને ક્લીક કરીને આપનું ડોનેશન કરી શકો છો. https://www.justgiving.com/campaign/indiacovidappeal અથવા https://uk.virginmoneygiving.com/charity-web/charity/displayCharityCampaignPage.action?campaignId=16990#

નીસ્ડન ટેમ્પલ તરીકે ઓળખાતા લંડનના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા નબળા લોકોને ગંભીર આરોગ્ય સંભાળ અને સહાયતા આપવા માટે બીએપીએસ ઇન્ડિયા કોવિડ ઇમરજન્સી અપીલની શરૂઆત કરવામાં આવી છે.

બ્રિટિશ ભારતીય રોહિત કોટેચા દ્વારા ચેન્જ.ઑર્ગ પર વડા પ્રધાન બોરીસ જ્હોન્સનને સંબોધન કરતી એક અપીલ કરી ભારતની વર્તમાન કટોકટીમાં સહાય કરવા માટે ઉપલબ્ધ અન્ય ઉપકરણો / કુશળતાની સાથે જીવન બચાવ કરનાર ઓક્સિજન મોકલવા જણાવ્યું હતું. જેમાં 2,000 સહીઓ એકત્ર થઇ ગઇ હતી.

ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપીના અધ્યક્ષ કુલદીપ શેખાવતે જણાવ્યું હતું કે, ‘’ભારતીય ડાયસ્પોરાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો વિશ્વાસ છે અને તેઓ ભારત સરકારને બધી રીતે મદદ કરવા તૈયાર છે.’’