જે પ્રવાસીઓએ કોવિડ-19 રસીનો બૂસ્ટર ડોઝ અથવા ત્રીજો ટોપ-અપ ડોઝ લીધો છે તેમના નેશનલ હેલ્થ સર્વિસ કોવિડ વેક્સીન પાસમાં તેમની સંપૂર્ણ અપડેટ કરેલી રસીની સ્થિતિ દર્શાવી શકાશે એવી યુકે સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી. જેને પગલે તેઓ ઇઝરાયેલ, ક્રોએશિયા અને ઑસ્ટ્રિયા જેવા દેશોમાં મુસાફરી કરવા સક્ષમ બનશે. જો કે આ તબક્કે, ભારત સહિત વિદેશમાંથી ઈંગ્લેન્ડમાં મુસાફરી કરવા માટે બૂસ્ટર ડોઝના પુરાવા દર્શાવવાની પણ જરૂર રહેશે નહીં.

જો કે હેલ્થ એન્ડ સોસ્યલ કેર વિભાગે (DHSC) જણાવ્યું હતું કે, સ્થાનિક કોવિડ પાસમાં બૂસ્ટર અથવા ત્રીજો ડોઝ ઉમેરવામાં આવશે નહીં કારણ કે તેમાં બૂસ્ટર ડોઝ મેળવવાની વર્તમાન આવશ્યકતા નથી.

યુકેના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે, “વિદેશની મુસાફરી કરતા લોકો માટે તેમની રસીની સ્થિતિ બતાવવા માટે અમે શક્ય તેટલું સરળ બનાવવા માંગીએ છીએ.  NHS કોવિડ પાસના આ અપડેટથી લોકો તેમની સંપૂર્ણ તબીબી તસવીર તેમની આંગળીના ટેરવે મેળવી શકે છે. ટોપ-અપ જેબ મેળવવી એ આ વાયરસ સામે અમારું શ્રેષ્ઠ સંરક્ષણ છે અને હું બધાને વિનંતી કરું છું કે તેઓ આગળ આવે અને પ્રોત્સાહન આપે.”

17 મેના રોજ શરૂઆત થયા બાદ લગભગ 20 મિલિયન લોકોએ NHS એપ દ્વારા કોવિડ પાસનો ઉપયોગ કર્યો છે. બૂસ્ટર અને ત્રીજો ડોઝ હવે ડિજિટલ COVID પાસમાં આપમેળે દેખાશે અને 29 નવેમ્બરથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પણ દેખાશે. યુકેમાં 13 મિલિયન લોકોને બૂસ્ટર અને ત્રીજી રસી આપવામાં આવી છે. સરકારે 40-49 વર્ષની વયના લોકો સુધી બૂસ્ટર ડોઝનું વિસ્તરણ કરતાં લાખો વધુ લોકો તેમનો ત્રીજો ડોઝ મેળવવા માટે પાત્ર બનશે.

વેક્સિન્સ મિનિસ્ટર મેગી થ્રુપે જણાવ્યું હતું કે, “શિયાળા પહેલા તમારી જાતને સુરક્ષિત રાખવા માટે બૂસ્ટર મેળવવું એ શ્રેષ્ઠ છે. સમગ્ર દેશમાં વોક-ઇન સાઇટ્સ ખુલ્લી છે અને ક્રિસમસ પહેલા મહત્તમ સુરક્ષા માટે શક્ય તેટલી વહેલી તકે રસી લેવા આગળ આવો.”