Surgeon Bipin Kumar Jha acquitted for sexually assaulting three female students
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોનો ચોંકાવનારો અહેવાલ

કોરોના મહામારી અને લોકડાઉન હોવા છતાં ભારતમાં ગુનાખોરી કેટલી હદ સુધી વકરી છે તેની ચોંકાવનારી માહિતી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના બુધવારે જારી થયેલા અહેવાલમાં મળે છે.
ભારતમાં 2020ના વર્ષમાં બળાત્કારના દરરોજ 77 કેસ નોંધાયા હતા અને આખા વર્ષમાં કુલ 28,046 આવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ગયા વર્ષે હત્યાના દરરોજ સરેરાશ 80 કેસ નોંધાયા હતા. રેપના સંદર્ભમાં રાજસ્થાન તથા હત્યા અને અપહરણના કેસમાં ઉત્તરપ્રદેશ મોખરે રહ્યાં હતા.
બ્યૂરોના ડેટા મુજબ ગયા વર્ષ મહિલાઓ સામેના ગુનાના કુલ 3,71,503 કેસ નોંધાયા હતા, જે 2019માં નોંધાયેલા 4,05,326 અને 2018ના 3,78,236 કરતા ઓછા છે.
2020માં મહિલાઓ સામે થયેલા કુલ ગુનાના કુલ કેસમાંથી 28,046 કેસ રેપના હતા. 2020માં કોરોના મહામારી અને લોકડાઉન હોવા છતાં મહિલાઓ સામે આટલા ગુના થયા હતા. કુલ પીડિત મહિલામાંથી 25,498 મહિલા પુખ્ત હતી, જ્યારે 2,655 યુવતીની ઉંમર 18 વર્ષથી ઓછી હતી.

રેપના કેસમાં રાજસ્થાન તથા હત્યા અને અપહરણના કેસમાં ઉત્તરપ્રદેશ મોખરે

રાજ્યવાર જોઇએ તો 2020માં રેપના રાજસ્થાનમાં 5,310, ઉત્તરપ્રદેશમાં 2,769, મધ્યપ્રદેશમાં 2,339, મહારાષ્ટ્રમાં 2,061 અને આસામમાં 1,657 કેસ નોંધાયા હતા. દેશની રાજધાની દિલ્હીમાં રેપના 997 કેસ નોંધાયા હતા. મહિલાઓ સામેના ગુનાના કુલ કેસમાંથી 1,11549 કેસ પતિ અને પરિવારજનો દ્વારા હત્યાચારની કેટેગરીમાં હતી, જ્યારે 62,300 કેસ કિડનેપિંગ સંબંધિત હતી.
દેશમાં 2020ના વર્ષમાં દરરોજ સરેરાશ 80 હત્યા થઈ હતી અને આવા કુલ કેસની સંખ્યા 29,193 રહી હતી. હત્યાના કેસમાં ઉત્તરપ્રદેશ ટોચના સ્થાને રહ્યું હતું. 2020માં દેશમાં હત્યાના કેસની સંખ્યામાં એક ટકા વધારો થયો છે. 2019માં હત્યાના કુલ 28,915 કેસ નોંધાયા હતા. જોકે અપહરણ અને બંધક બનાવવા સંબંધિત કેસોની સંખ્યામાં 2020માં અગાઉના વર્ષની સરખામણીમાં 19 ટકાનો ઘટાડો થયો હતો.  ગયા વર્ષે કિડનેપિંગના કુલ 84,805 કેસ નોંધાયા હતા.
હત્યાના ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 3,779 કેસ, બિહારમાં 3,150 કેસ, મહારાષ્ટ્રમાં 2,163 કેસ, મધ્યપ્રદેશમાં 2,101 કેસ અને પશ્ચિમ બંગાળમાં 1,948 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં મર્ડરના 472 કેસ નોંધાયા હતા.
અપહરણના કેસમાં પણ ઉત્તરપ્રદેશ 12,913 કેસ સાથે ટોચના સ્તરે છે. પશ્ચિમ બંગાળમાં આવા 9,309 કેસ, મહારાષ્ટ્રમાં 8,103 કેસ, બિહારમાં 7,889 કેસ અને મધ્યપ્રદેશમાં 7,320 કેસ નોંધાયા હતા.