Cricket bookies raided in Ahmedabad, 12 bookies caught
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમદાવાદ પોલીસે સોમવારે ચાંદખેડાના એક લક્ઝુરિયસ બંગલામાં ચાલતા ક્રિકેટ સટ્ટાના કેન્દ્ર પર દરોડો પાડીને સટ્ટો રમાડતા 12 બૂકીને ઝડપી લીધા હતી. તેમની પાસેથી કરોડો રૂપિયાના વ્યવહારોની વિગતો, ડાયરીઓ, લેપટોપ, મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ તમામ બૂકી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના છે. તેઓ કુખ્યાત બૂકી રવિ માલી, જિતુ માલી અને દિલીપ સોલંકી પાસે સટ્ટો કપાવતા હોવાની વિગતો મળી હતી.

થોડા મહિનાં પહેલાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાકેશ રાજદેવ અને જિતુ થરાદ માટે શહેરમાં સટ્ટો રમાડતા બૂકીને ઝડપી લીધા હતા. જેની તપાસમાં રૂ.1414 કરોડના હવાલા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પીસીબીએ માધુપુરામાંથી સટ્ટાધામ ઝડપી 10 હજાર કરોડના હવાલાની વિગતો શોધી કાઢી હતી. રવિવારે બેંગલુર- રાજસ્થાન વચ્ચેની મેચ પર મોટા પ્રમાણમાં સટ્ટો રમાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે ચાંદખેડા સ્વાદ ગાંઠિયા રથની ગલીમાં રોયલ ઓર્ચિડ બંગલોઝના બંગલા નંબર-7માં કેટલાક બૂકી સટ્ટો રમાડી રહ્યા છે. પોલીસે બંગલામાં દરોડો પાડીને જુગાર રમાડતા 12 બૂકીને ઝડપી લીધા હતા. તેઓ જુદી જુદી એપ્લિકેશન મારફતે ઓનલાઇન સટ્ટો લેતા હતા. રાજસ્થાન ઉત્તર પ્રદેશના આ બૂકી માટે કુખ્યાત બૂકી રવિ માલી અને જિતુ માલીએ આ બંગલો ભાડે રાખ્યો હતો.

LEAVE A REPLY

4 + 11 =